કચ્છમાં સ્ટીલ ફેકટરીમાં ચીમનીમાં બ્લાસ્ટ બાદ દાઝી જવાથી ત્રણ કામદારનાં મોત: ચાર ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: શહેરથી ભચાઉ વાયા દુધઈ થઈને ભચાઉ તરફ જતા રાજ્યધોરી માર્ગ પર આવેલા કચ્છના અંજાર તાલુકાના બુઢારમોરા ગામ પાસે આવેલી એક સ્ટીલ ફેકટરીમાં મકરસંક્રાંતિ પર્વના સપરમા દહાડે થયેલા એક ભયાનક વિસ્ફોટ બાદ લાગેલી વિકરાળ આગમાં ઓછામાં ઓછા ત્રણ કામદારોના મોત થયા છે જયારે અન્ય ચાર કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે અમદાવાદ અને આદિપુરની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
આ ગોઝારી ઘટનાની કરુણતા એ છે કે, ઘટનાને ઢાંક પીછોડો કરવા આ ઔદ્યોગિક કંપની તરફથી પ્રયાસો કરાયા હતા. કંપનીની એક ચીમનીમાં ધડાકો થતાં પીગળી ગયેલા સળગતા લોખંડના રેલા દૂર સુધી ઉડ્યા હતા અને આ ચીમની નજીક રહેલા કામદારો ભડભડ સળગતાં ઘટનાસ્થળેથી દૂર જવા પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.
કંપનીના કેટલાક જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીમાં સલામતી માટેના નિયત ધારા-ધોરણોનો ધરાર ભંગ કરવામાં આવી રહ્યો છે અને અગાઉ આ સંદર્ભે કરાયેલા ઓડિટની અધૂરાશો પણ પૂર્ણ કરાઈ નથી. લોકો જયારે મકરસંક્રાંતિનું પર્વ ઉજવી રહ્યા હતા ત્યારે ગુરુવારે વહેલી સવારના પોણા ચાર વાગ્યાના સુમારે બુઢારમોરા ખાતે આવેલી કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના કારખાનાની એક ચીમનીમાં જયારે લોખંડ પીગાળવામાં આવી રહ્યું હતું ત્યારે ધડાકો થયો હતો અને સળગતું પ્રવાહી સ્ટીલ દૂર સુધી ફંગોળાયું હતું અને કેટલીક જગ્યાએ આગના ગોળા સર્જાતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. ઉકળતું પ્રવાહી ઉડીને પડતાં સાત કામદારો ભડભડ રીતે બળવા માંડ્યા હતા.
સાથી મજૂરોએ દુર્ઘટના સમયે રેકોર્ડ કરેલી વિચલિત કરતી વીડિયો ક્લિપના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં. શ્રમિકોની ચિચિયારીઓથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું હતું. તમામને તત્કાળ આદિપુરની ડિવાઈન લાઈફ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. ચાર જણની હાલત ગંભીર હોઈ તેમને અમદાવાદની એસવીપી હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં.
સાંજે પોણા સાતના અરસામાં 21 વર્ષના સુરેન્દ્રપાલ દાદુરામ લોધ નામના શ્રમિકે અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારબાદ અમદાવાદમાં સારવાર હેઠળ રહેલાં વિજયકુમાર (28) અને પુષ્પેન્દ્રકુમાર રાજેન્દ્રપ્રસાદ (23)ના મૃત્યુ નીપજ્યાં હતાં. સારવાર હેઠળ રહેલાં રવિરામ કિશોરરામ (40)ની હાલત નાજૂક છે. ઉ