પ્રધાનમંડળમાં મહિલા શક્તિને પ્રોત્સાહન, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન

ગાંધીનગર: ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ બાદ પ્રધાનોની સંખ્યા 16થી વધારીને 25 થઈ હતી. જેની સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકારનું જમ્બો પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું હતું. 25માંથી ત્રણ મહિલાને પણ પ્રધાન પદ સોંપવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યને મજબૂત કરવા માટે ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપ્યું હતું. આ નિર્ણય દ્વારા રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ નવનિયુક્ત મહિલા પ્રધાનોમાં વડોદરાના અનુભવી નેતા મનીષા વકીલ, જામનગર ઉત્તરના રીવાબા જાડેજા અને અમદાવાદના દર્શના વાઘેલાનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓને પ્રધાનમંડળમાં સ્થાન આપીને અનુભવ અને યુવા ઊર્જા વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત પ્રધાનમંડળમાં ફેરફાર: 10ને કેમ પડતા મૂકવામાં આવ્યા, 6 કેમ ટકી ગયા?
આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલા ભૂપેન્દ્ર પટેલના અગાઉના પ્રધાનમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછું હતું. તે સમયે એકમાત્ર મહિલા પ્રધાન તરીકે ભાનુબેન બાબરિયાનો સમાવેશ થતો હતો, જેમને કેબિનેટ પ્રધાન તરીકે સામાજિક ન્યાય અને મહિલા-બાળ વિકાસ જેવા અગત્યના ખાતાઓ સોંપવામાં આવ્યા હતા. જોકે તેમની નબળી કામગીરીના કારણે પ્રધાનમંડળ વિસ્તરણમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.