ગુજરાતને પહેલીવાર મળ્યા ત્રણ મહિલા પ્રધાન, પણ કેબિનેટમાં એક પણ નહીં...
આપણું ગુજરાત

ગુજરાતને પહેલીવાર મળ્યા ત્રણ મહિલા પ્રધાન, પણ કેબિનેટમાં એક પણ નહીં…

અમદાવાદઃ ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત ખરડો લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યો છે અને લગભગ તેનો અમલ વર્ષ 2029થી થશે, પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો રાજકારણમાં અને રાજ્ય સરકારોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું જ ઓછું છે. ગુજરાતની જ વાત કરીએ તો વર્ષો બાદ પહેલીવાર એમ બન્યું છે કે રાજ્યના પ્રધાનમંડળમાં એકસાથે ત્રણ મહિલાને સ્થાન મળ્યું છે, પરંતુ કેબિનેટ કક્ષાનું પદ કોઈને મળ્યું છે.

વાકબારસના દિવસે ગુજરાત પ્રધાનમંડળનું વિસ્તરણ થયું ત્યારે મનીષા વકીલ, દર્શના વાઘેલા અને રિવાબા જાડેજાને રાજ્યકક્ષાનાં પ્રધાન બનાવવામાં આવ્યા. અત્યાર સુધીમાં ગુજરાત પ્રધાનમંડળમાં આ સૌથી વધારે મહિલાઓનું પ્રતિનિત્વ હોવાનું નિષ્ણાતો કહે છે, પરંતુ અકંદરે મહિલાઓને ઓછું જ પ્રતિનિધિત્વ મળી રહ્યું છે.

રિવાબા જાડેજા અને દર્શના વાઘેલાને પહેલીવાર ધારાસભ્ય બન્યાં બાદ જ આ પદ મળ્યું છે જ્યારે મનીષા વકીલની આ ત્રીજી ટર્મ છે. દર્શના વાઘેલા સ્કૂલ પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે અને વર્ષ 2010થી 2013 વચ્ચે અમદાવાદના મેયર રહી ચૂક્યાં છે. મનીષા વકીલ પણ શિક્ષિકા તરીકેની ફરજ બજાવ્યા બાદ રાજકારણમાં આવ્યાં છે અને અગાઉ પણ રાજ્યકક્ષાના પ્રધાન રહી ચૂક્યાં છે. જ્યારે રિવાબા પ્રધાનમંડળમાં સૌથી યુવાવયનાં છે અને ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે.

ગુજરાત જ્યારથી અલગ રાજ્ય બન્યું ત્યારથી હાલની વિધાનસભામાં સૌથી વધારે 14 ધારાસભ્ય છે. અગાઉ 15 હતાં, પરંતુ ગેનીબેન ઠાકોર સાંસદ બનતા આ સંખ્યા 14 થઈ છે. પહેલી ભુપેન્દ્ર પટેલ સરકારમાં મનીષા વકીલ અને નિમિષા સુથાર એમ બે મહિલા પ્રધાન હતાં. ડિસેમ્બર 2022માં પ્રધાનમંડળમાં થયેલા ફેરફારમાં તેમને સામેલ કરવામાં આવ્યા ન હતા. જોકે ત્યારબાદ ભાનુબહેન બાબરીયાને કેબિનેટ કક્ષાનું પ્રધાનપદ મળ્યું હતું. બે દિવસ પહેલા થયેલા ફેરફારમાં તેમને પડતા મૂકાયા છે, ત્યારે હાલમાં કેબિનેટ કક્ષાના એકપણ મહિલા પ્રધાન નથી, પરંતુ ત્રણ મહિલાને રાજ્યકક્ષાનું પ્રધાનપદ આપ્યું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button