ત્રણ સબ્સિડી અને મહિલાઓનું હીતઃ જાણો ગુજરાતની નવી ટેક્સટાઈલ્સ પોલિસીમાં શું છે?
અમદાવાદઃ સબ્સિડી અને ગ્રામીણ મહિલાઓના વેતનમાં વધારા સહિતની જોગવાઈઓ સાથે ગુજરાત સરકારે નવી ટેક્સટાઈલ્સ પોલિસીની જાહેરાત કરી છે. ગુજરાત ટેક્સટાઈલ્સ ઉદ્યોગ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને સુરત શહેરને ટેક્સટાઈલ સિટી પણ કહેવામાં આવે છે. ખેતી પછી સૌથી વધારે રોજગારી ઊભી કરતી ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રી ગુજરાતના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. જોકે ઘણા સમયથી આ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે ત્યારે
ગુજરાતમાં દસ મહિના પછી આજે 15મી ઓક્ટોબર 2024ના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 ની જાહેરાત કરી છે. જેની અમુક જોગવાઈઓ અનુસાર બે હજાર થી પાંચ હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ પાંચ વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો કરાઈ છે. ગુજરાતના 5,592 ઔદ્યોગિક એકમો માટે 1,107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ પોલિસીમાં 10થી 35 ટકા કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે.
મહિલાઓ છે કેન્દ્રમાં
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું કન્દ્ર રહ્યું છે. 2012માં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. પોલિસીને કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો છે. ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 ટકા ફાળો આપે છે. આજે ટેક્સટાઈલ પોલિસી 2024 જાહેર કરી છે. નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે. કપાસ ઉત્પાદક ખેડૂતો અને યુવાનોમાં રોજગારી પૂરી પાડશે, તેવી આશા સરકારે વ્યક્ત કરી છે.
આ ત્રણ સબ્સિડી છે મહત્વની
- ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને eFCI ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. જેમાં તાલુકાની શ્રેણી અને કામગીરીના આધારે મહત્તમ રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળશે.
- ક્રેડિટ-લિંક્ડ ઈન્ટરેસ્ટ સબસિડી હેઠળ પ્રદાન કરવામાં આવતી નાણાકીય સહાય eFCI (એલિજેબલ ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ)ના 5 ટકાથી વધારી 7 ટકા કરવામાં આવી છે. જેની મુદ્દત 5થી 8 ટકા રહેશે.
- ટેક્સટાઈલ યુનિટને માન્ય કામગીરી માટે પાવર ટેરિફ સબસિડી મળશે. જેમાં પાંચ વર્ષ માટે DoCPમાંથી ઓપન એક્સેસ મારફત ડિસ્કોમ તથા રિન્યુએબલ પાવર હેઠળ રૂ. 1 પ્રતિ યુનિટ (kWh) ના દરે વીજ પ્રાપ્ત કરી શકશે.