રાજકોટમાં ફરી હાર્ટ એટેકમાં ત્રણના જીવ ગયા
પોતાની મોજ મસ્તી અને રંગીન મિજાજ માટે જાણીતું રાજકોટ હાલમાં એક દુઃખદ વાત માટે સમાચારોમાં ચમક્યા કરે છે. રાજકોટમાં હાર્ટ એટેકથી હુમલાની ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. ફરી એક જ શહેરમાં ગણતરીની કલાકોમાં ત્રણ જણએ હાર્ટ એટેકમાં જીવ ગુમાવ્યો છે. આ ત્રણે જણ અલગ અલગ વિસ્તારોમાં રહેતા હતા અને તેમના મોત રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં થયા છે.
મળતી માહિતી અનુસાર રેલનગરમાં આસ્થા ચોક પાસે ટેનામેન્ટમાં ભાડે રહેતાં ભાવેશભાઈ ગોહેલ (ઉ.વ.ર૭) એકાએક બેભાન થઈ જતા સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતક ઘર નજીક દુધનો ધંધો કરતો હતો. મૃતકને હાર્ટ એટેક આવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
બીજા બનાવમાં લોધીકાના પાળ ગામે વાડીમાં રહી ખેતમજુરી કરતા મુળ દાહોદનાં કેશુભાઈ સરતાનભાઈ મોહનીયા (ઉ.વ.પ૧) ગઈકાલે રાત્રે એકાએક બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકને હાર્ટએટેક આવી ગયાનું લોધીકા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા રામજીભાઈ સોલંકી (ઉ.વ.૪૬) ગઈકાલે ઘરે હતા ત્યારે ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકને હાર્ટ એટેક આવી ગયાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.