વઘાસિયા નકલી ટોલનાકા પ્રકરણમા નાસતા ફરતા વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર નજીક બહુચર્ચિત નકલી વઘાસિયા ટોલનાકા પ્રકરણમાં પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓને ગત મોડીરાત્રે વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બામણબોર કચ્છ નેશનલ હાઇવે ઉપર વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોકનાકાની બાજુમાં બંધ પડેલી ફેક્ટરીમાંથી ટોલનાકાની જેમ જ વાહનો પસાર કરાવી કરોડો રૂપિયાની મલાઈ તારવી લેવા પ્રકરણમાં વાંકાનેર પોલીસે જાતે ફરિયાદી બની હતી.
પોલીસે સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અમરસીભાઈ જેરામભાઈ વાસજાળીયા સહિત છ આરોપીઓ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા હતા અને બાદમાં લાંબા સમયની અંતે બે આરોપીઓ પકડાયા હતા.
બીજી તરફ આ ચર્ચિત પ્રકરણમાં ગતરાત્રીના વાંકાનેર પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા જેને અહેવાલો અનુસાર ભાજપ અગ્રણી પણ માનવમાં આવે છે તે તમામને વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા.
મીડિયા સાથે સંવાદ કરતાં વાંકાનેર પીઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ટોલનાકા પ્રકરણમાં નાસતા ફરતા આરોપીઓ વઘાસિયા ગામની સીમમાં આવ્યા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.