Kheda ના ઠાસરાના ધુણાદરા ગામે બાથરૂમમાં કરંટ લાગતા ત્રણના મોત
ઠાસરા : ખેડા (Kheda) જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામમાં પરમારપુરામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હોવાની ઘટના ઘટી છે. જેમાં બાથરૂમમાં નહાવા ગયેલા યુવકે ભીના હાથે સ્વીચને અડતાં તેને કરંટ લાગ્યો હતો જેને બચાવવા જતાં અન્ય બે યુવકોએ પણ જીવ ગુમાવ્યો હતો.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે ગતરોજ મોડી સાંજે વીજ કરંટ લાગવાથી બે સગા અને એક કૌટુંબિક ભાઇનું મોત નીપજ્યું છે.
બંને ભાઇઓને બચાવવાનો પ્રયાસ કરવા જતાં વીજ કરંટ લાગ્યો
ઠાસરા તાલુકાના ઢુણાદરામાં પરમારપુરા ખાતે રહેતા જગદીશ પરમાર બાથરૂમમાં નહાવા ગયા હતા. જ્યાં તેઓએ ભીના હાથે સ્વીચને અડતાં તેમને વિજ કરંટ લાગતાં તેમના મોટા ભાઇ નરેન્દ્ર પરમાર તેમને બચાવવા દોડી ગયા હતા. આ સમયે નરેન્દ્રભાઇને પણ કરંટ લાગતાં નજીકમાંથી તેમના કાકાના દીકરા ભાનુ પરમાર દોડી આવ્યા હતા અને તેઓને પણ બંને ભાઇઓને બચાવવાનો પ્રયાસ કરવા જતાં વીજ કરંટ લાગ્યો હતો.
પરિવારમાં શોક છવાયો
ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય ભાઇઓને બચાવીને 108 દ્વારા ડાકોર રેફરલ હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ ત્રણેય ભાઇઓ મોતને ભેટ્યા હતા એક જ પરિવારના ત્રણ યુવાન દીકરાઓના અકાળે મોત થતા પરિવારમાં શોક છવાયો છે.