અમદાવાદમાં ૧.૧૨ કરોડના એમડી ડ્રગ્સ સાથે ત્રણ કેરિયર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી પોલીસે ૨૪ કલાકમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે એક બનાવમાં ૫૯૪.૮૦૦ ગ્રામના કુલ ૫૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે એકની જ્યારે અન્ય બનાવમાં બન્ને ઇસમોને ૫૨.૧૮ લાખની કિંમતનો ૫૨૧.૮૦૦ ગ્રામનો એમડી ડ્રગ્સના જથ્થા સાથે કુલ ૧.૧૨ કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ શહેર પોલીસે બાતમીના આધારે નારોલથી વિશાલા તરફ જતાં રોડ પર નારોલ બ્રિજના સર્વિસ રોડ પર એક હોટલ પાસે રાત્રીના પોણા અગિયાર વાગ્યાની આસપાસ તૌફિક ડિલિવરી લેવા માટે ટૂ વ્હીલર લઇને આવ્યો હતો અને કોઇની રાહ જોઇ રહ્યો હતો. જે દરમિયાન એક ઇસમ હોટલમાંથી આવ્યો હતો અને એક બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો પદાર્થ તેને આપ્યો હતો.બાતમી અનુસાર તૌફિકની ઓળખ થતાં જ રેડ પાડવા વોચ ગોઠવીને બેસેલા સ્ટાફે તૌફિક અને અન્ય ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમે નામ-ઠામ પૂછતા ટૂ-વ્હીલર લઇને આવેલા શખ્સે પોતાનું નામ તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચી જણાવ્યું હતું. જ્યારે કાળા કલરની બેગ સાથે ઊભેલા ઇસમે પોતાનું નામ સુહૈલ અસરફ શકુર મોહમંદ જણાવ્યું હતું. પોલીસ દ્વારા બેગની તપાસ હાથ ધરવામાં આવી હતી. તૌફિક પાસેથી એક પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી. જેમાં શંકાસ્પદ પદાર્થ જણાઈ આવ્યો હતો. જ્યારે સુહૈલ અસરફ પાસે રહેલી બેગમાંથી પ્લાસ્ટિકની મોટી પારદર્શક કોથળી મળી આવી હતી. તેમાં પણ શંકાસ્પદ પદાર્થ જણાઈ આવ્યો હતો. આ પદાર્થ બાબતે પૂછતા એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. જેથી નશીલા પદાર્થની ચકાસણી અર્થે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી આ મેફેડ્રોનનો જથ્થો કયાંથી લાવે છે ? અને કોને વેચે છે ? તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તૌફિકે જણાવ્યું હતું કે, તે છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ઉદેપુરમાં રહેતા આરીફ મહમંદ પઠાણ પાસેથી મંગાવે છે અને અમદાવાદ શહેરમાં વેચે છે. ગુરૂવારે આરીફમહમંદ પઠાણનો માણસ સુહૈલ અસરફ ઉદેપુરથી એમડી ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવ્યો હતો. આ જથ્થો મેળવીને તૌફિક શહેરમાં અલગ-અલગ માણસોને છૂટકમાં વેચાણ કરતો હોવાનું તેણે જણાવ્યું હતું. જ્યારે સુહૈલ અસરફે જણાવ્યું હતું કે, આરીફ મહમંદ ઉદેપુરથી ડ્રગ્સનો વેપાર કરે છે. તેની પાસેથી છેલ્લા દોઢ મહિનાથી ડ્રગ્સ મેળવીને અમદાવાદ ખાતે લઇને આવતો હતો અને તૌફિક ઘાંચી અને શાહપુરમાં રહેતા ઇમરાનખાન પઠાણ, જુહાપુરામાં રહેતા ઝહીર વોરાને ૨૦૦થી ૫૦૦ ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો આપતો હોવાનું જણાવ્યું હતું. બે દિવસ પૂર્વે આરીફ મહમંદ પઠાણ પાસેથી ૧ કિ.ગ્રા. ડ્રગ્સનો જથ્થો લઇને અમદાવાદ આવ્યો હતો. બે દિવસ પહેલા ઇમરાનખાનને ૨૦૦ ગ્રામ, ઝહીર વોરાને ૧૫૦ ગ્રામ અને તૌફિકને ૧૦૦ ગ્રામ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. તેમજ આજે ૬૫ ગ્રામનો ડ્રગ્સ આપવા આવ્યો ત્યારે બન્ને ઝડપાઈ ગયા હતા. પોલીસે તૌફિક પાસેથી ૬.૫૫ લાખની કિંમતનો ૬૫.૫૦૦ ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો જ્યારે સુહૈલ અસરફ પાસેથી ૪૫.૬૩ લાખ રૂપિયાનો ૪૫૬.૩૦૦ ગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી કુલ ૫૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન શહેરના એસજી હાઈવે છારોડી એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક જાકીર હુસેન નામનો ઇસમ ઓટો રિક્ષામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી ૫૯૪.૮૦૦ ગ્રામના કુલ ૫૯.૪૮ લાખની કિંમતના એમડી ડ્રગ્સ મળી કુલ ૬૦,૨૪,૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.