વાપીની જીઆઇડીસી ફેક્ટરીમાંથી ₹ ૧૮૦ કરોડનું એમડી પકડાયાના કેસમાં ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
વાપી: ડીઆરઆઇના અધિકારીઓએ વલસાડ જિલ્લાના વાપી સ્થિત એક ફેક્ટરીમાંથી ૧૮૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડતા ડીઆરઆઇએ ૧૨૧.૭૫ કિલો પ્રવાહી સ્વરૂપનું મેફેડ્રોન કબજે કર્યું હતું.
કંપનીના માલિક રાજુસિંહ, એકાઉન્ટન્ટ કેયુર પટેલ અને કુંદન યાદવ નામના કામદારની નશાબંધી અને આબકારી અધિનિયમ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ કંપનીના માલિક રાજુસિંહના ઘરમાં દરોડા પાડી રૂ. ૧૮ લાખની રોકડ રકમ જપ્ત કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે ત્રણેય આરોપીઓને ૧૦ નવેમ્બર સુધી ડીઆરઆઇની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
આ અગાઉ ૨ અઠવાડિયા પહેલા ડીઆરઆઇના અધિકારીઓએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મેફેડ્રોન ડ્રગ્સના એક મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ
કર્યો હતો. આ ઓપરેશનમાં રૂ. ૪૦૦ કરોડથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અને મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી બે લેબોરેટરીને પણ સીલ કરાઇ હતી. આ સતત કાર્યવાહી સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદનના વધતા જતા વ્યાપને અને તે માટે ઔદ્યોગિક એકમોના થઇ રહેલા દુરૂપયોગ સામે આંગળી
ચીંધે છે. (પીટીઆઇ)