અમદાવાદ: અમરેલી જિલ્લાના ધારીમાં તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના અગ્રણી નેતા મધુબેન જોશીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મધુબેનના પુત્ર સાથે પડોશી સાથે અગાઉ ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ તેમને પુત્ર બાઈક લઇને જતો હતો ત્યારે તેના પર કાર ચલાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ મધુબેન અને તેમનો બીજો પુત્ર પડોશીઓને ઠપકો આપવા ગયા હતા ત્યારે આ ત્રણેય આરોપીઓએ મધુબેન અને તેમના પુત્ર પર તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. મધુબેનને હાથ પર તલવારનો ઘા વાગ્યો હતો અને હાથ કપાઈ ગયો હતો. જેમાં તેમનું મોત નીપજ્યું હતું અને તેમનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા તેને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, એક મામુલી અકસ્માત થયો અને તેમાં બોલાચાલી થઇ હતી. જેમાં આરોપીઓ દ્વારા તલવારથી મધુબેન જોશી પર પ્રહાર કરવામાં આવ્યો હતો. જેમાં મધુબેનની હાથની એક નસ કપાઈ ગઇ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. મધુબેન જોશી એક સામાજિક કાર્યકર અને રાજકીય અગ્રણી છે. તેમના પુત્ર રવિ જોશીને ઇજા પહોંચી છે. રસિક મહેતા (ઉં.વ.૨૨.), જયઓમ મહેતા (ઉં.વ.૨૦) અને હરીઓમ મહેતા (ઉં.વ.૧૮.) આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.