નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો
અમદાવાદ: વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. મૂળ એમપીના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. પોલીસે રાજકોટમાં રહેતા કરણ મોવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાના મામલે મુંબઈ પોલીસને એક ધમકીભર્યો ઇમેઈલ મળ્યો હતો. જેની સાથે અન્ય એક ઇમેઇલ પણ પોલીસને આવ્યો હતો. પોલીસને ઈમેઇલ મારફતે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે ધમકી આપનાર આરોપીને પોલીસે રાજકોટથી પકડ્યો હતો. મૂળ મધ્ય પ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વીડિયો બ્લોગર કરણ મોવીએ માત્ર ટીખળ માટે આ ધમકી આપી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીની પત્ની ભાગી જતા તેણે આ પ્રકારનો ઇમેઈલ કર્યાનો ખુલાસો કર્યો હતો. રાજકોટ રહેતા યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૪મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ પ્રોફાઈલ મેચ રમાવાની છે. મુંબઈ પોલીસને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાંખવાની અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી મળી હતી. આ ધમકી વચ્ચે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે. જેથી ડરનો માહોલ છે. ૧૪મી ઑક્ટોબરના રોજ અમદાવાદમાં અર્ધલશ્કરીદળ ખડકાશે.