અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટનું જોખમ ટાળવા અપનાવાશે આ યુક્તિ

અમદાવાદઃ ગુજરાતના સૌથી વ્યસ્ત અમદાવાદ એરપોર્ટની આસપાસ સ્લમ વિસ્તાર હોવાથી પક્ષીઓ, વાંદરાઓનો મોટો ત્રાસ રહે છે. ઘણી વખત વાંદરા, કૂતરા એરપોર્ટમાં રન વે પર ધસી આવ્યાની ઘટના બની છે. આ ઉપરાંત સતત પક્ષીઓના કારણે બર્ડ હિટનું જોખમ પણ રહે છે. અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટનું જોખમ ટાળવા માટે એરગન, ફટાકડા ફોડવાની સાથે હવે અત્યાધુનિક ટેકનોલોજીવાળી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરાશે.
95 ટકા સુધી બર્ડ હિટનું જોખમ ઘટાડી શકાશે
અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટના બનાવો રોકવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાધુનિક સાધનો વસાવવા સહિત પક્ષીઓ, જીવજંતુઓ અને વન્યજીવોને એરપોર્ટના રનવેથી દૂર રાખવા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશમાં આ પ્રકારના સાધનો લગાવવાનો આ પ્રથમ પ્રયાસ છે. જેના થકી 95 ટકા સુધીનું બર્ડ હિટનું જોખમ ઘટાડી શકાશે તેવો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે.
Also Read…..PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ
ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન હેઠળ રન વે પરના ઘાસમાં પક્ષીઓ વસવાટ ન કરી શકે તે માટે વધુ ઉંચા ઘાસ ન થાય તેવી સાઇલ ટ્રીટમેન્ટનો ઉપયોગ હાથ ધરવામાં આવ્યો છે. એરપોર્ટ પર પક્ષીઓના ખોરાકને સ્ત્રોત ઘટાડવા ફેરોસ લાઇટ ટ્રેપ અને બ્લોક લાઇટ ટ્રેપનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમથી ઉડતા કિડા, ફૂદા તેની તરફ આકર્ષાય છે અને નજીક આવતાની સાથે જ નીચે રાખેલા પાણીમાં પડી જાય છે. પક્ષીઓને એરપોર્ટ સ્ટ્રક્ચર પર બેસતા અટકાવવા હાયપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેકનોલોજીને અનુરૂપ કસ્ટમાઇઝડ એન્ટી પેચિંગ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. આ બધા થકી 95 ટકા પક્ષીનો ઉપદ્રવ અટક્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.