મા તે માઃ રાજુલાની રાણી નામે જાણીતી આ સિંહણ પોતાના બચ્ચાંના જીવ માટે…
મા તે મા, બીજા બધાં વગડાના વા આ કહેવત દરેક સજીવ માટે બનેલી છે, તેમાં જંગલી જાનવરોનો પણ સમાવેશ થાય છે અને તેથી જ એક સિંહણે પોતાના બચ્ચાનો જીવ બચાવવા બે-પાંચ નહીં પણ 300 કિલોમીટરનું અંતર કારી નાખ્યું અને નિષ્ણાતો, પ્રાણીપ્રેમીઓને અચરજમાં મૂકી દીધાં. આ એક પ્રકારે વર્લ્ડ રેકોર્ડ પણ થયો છે.
આ વાત સૌરાષ્ટ્રના અમરેલી વિસ્તારના જંગલની છે. અહીં પોતાના ઠસ્સા, મસ્તાની ચાલ અને વર્ચસ્વને લીધે રાજુલાની રાણી તરીકે ઓળખાતી એક સિંહણે પોતાના એકમાત્ર જીવિત સિંહબાળને બચાવવા માટે 300 કિલોમીટરનો રસ્તો કાપી નાખ્યો હતો. માત્ર એશિયાટિક સિંહો જ નહીં, દુનિયાના કોઈપણ સિંહે સ્થાયી થવા માટે થઈને આટલું મોટું અંતર કાપ્યું હોય તેવું ક્યાંય નોંધાયું નથી, તેમ નિષ્ણાતો માને છે. રાજુલાની રાણીએ પોતાના જીવિત સિંહબાળના રક્ષણ માટે આટલો મોટો સંઘર્ષ કરતા ખુદ વન વિભાગ પણ ચોંકી ગયો હતો.
થોડા મહિના પહેલા આ સિંહણ તેના બચ્ચાં સાથે રેવન્યૂ વિસ્તારમાં ફરી રહી હતી એ દરમિયાન એક વ્યક્તિ તેના બચ્ચાં નજીકથી પસાર થતા તેણે તેના પર હુમલો કર્યો હતો. એક રીતે જોવા જઈએ તો તેનો આ હુમલો તેના બચ્ચાંને રક્ષણ પુરું પાડવા માટે હતો. જો કે આ ઘટના બાદ વન વિભાગ સાવચેતીના ભાગરૂપે સિંહણને તેના 4 સિંહબાળ સાથે જૂનાગઢના ગીર અભ્યારણ્યમાં મુક્ત કરી આવ્યો હતો.
જેમ આપણે આપણી સીમાઓ માટે આગ્રહી છીએ તેવું જાનવરોમાં પણ હોય છે. દરેક સિંહોનો પોતાનો એક ચોક્કસ વિસ્તાર હોય છે. એમાં તે અન્ય કોઈ સિંહ પરિવારની દખલગીરી સ્વીકારતો નથી. તેમ છતાં જો કોઈ સિંહ પરિવાર અન્ય સિંહના વર્ચસ્વ ધરાવતા કોઈ વિસ્તારમાં પ્રવેશે તો આર યા પારની લડાઈ થાય છે અને તેમાં જે સિંહ જીતે તે એ વિસ્તારનો રાજા બની જાય છે અને સિંહણો પર પણ વર્ચસ્વ જમાવે છે. આ લડાઈ દરમિયાન જીત મેળવનાર સિંહ પરાજીત સિંહથી જન્મેલા બચ્ચાંઓને મારી નાખે છે અને પોતાનું વર્ચસ્વ જમાવે છે.
આવું જ રાજુલાની રાણી સાથે બન્યું હતું. ગીરના જંગલમાં અન્ય સિંહ સાથે થયેલી ઈનફાઈટમાં તેના 4 પૈકી 3 સિંહબાળને વિજેતા સિંહે મારી નાખ્યા હતા. આખરે બચેલા એક સિંહબાળને બચાવવા માટે રાજુલાની રાણી કોઈની પણ પરવા કર્યા વિના ગીરનું જંગલ છોડીને ચાલી નીકળી હતી. તેને જવું હતું પોતાના જૂના વિસ્તાર એવા રાજુલા તરફ, પણ તેણે ખોટી દિશા પકડી અને તે બચ્ચાં સાથે ખાંભા, ધારી, વિસાવદર, મેંદરડા, માંગરોળથી પોરબંદર પહોંચી ગઈ હોવાનું જંગલ ખાતાના અધિકારીઓ જણાવે છે.
આ રીતે તે 300 કિમી જેટલું અંતર કાપીને આખરે પોરબંદર શહેર પહોંચી જતા વન વિભાગ પણ ચોંકી ગયો હતો. વન વિભાગના વન્યપ્રેમી અધિકારીઓ પોતાના એકમાત્ર જીવિત સંતાન માટે આ સિંહણનો સંઘર્ષ જોઈને નવાઈ પણ પામ્યા હતા અને ભાવુક પણ બન્યા હતા તેમ જ એક માતાની ચીસ તેમના કાને પડી હતી. ઘટનાની ગંભીરતા સમજીને તેમણે સિંહણ અને તેના બચ્ચાંની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત તેમને તેમના જૂના ઘર એવા રાજુલાના રેવન્યૂ વિસ્તારમાં મુક્ત કર્યા હતા. આ મા-દીકરાની જોડીની કેટલીક તસવીરો પણ લોકોમાં ફરતી થઈ છે.
રાજુલાની રાણીના નામે પહેલા એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તે સૌથી વધુ રિપ્રોડક્શન રેટ ધરાવતી સિંહણ છે. તો બચ્ચાં સાથે કોઈ સિંહ કે સિંહણે 300 કિ.મી.નું અંતર કાપ્યું હોય તેવું પણ ઈતિહાસમાં ક્યાંય નોંધાયું નથી. આમ રાજુલાની રાણીએ આ બીજો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
રાજુલામાં અગાઉ પણ અનેક જાણીતા સિંહ-સિંહણ થયા છે. અગાઉ અહીં લક્ષ્મી નામની એક સિંહણનો દબદબો હતો. એ પહેલા મેઘરાજ નામનો એક સિંહ પણ જાણીતો હતો. જો કે તે ભારે ખૂંખાર હતો અને અનેક સિંહણ સાથે ઘર્ષણમાં ઉતરી પડતો હતો. આ બંનેના અવસાન બાદ હવે રાજુલાની રાણીનું અહીં એકચક્રી શાસન છે. વન વિભાગ તેની મુવેન્ટ પર નજર રાખીને તેની રખેવાળી કરી રહ્યું છે.