માનો કે ના માનોઃ મંદિર બહાર ફૂલ વેચતા આ મહિલા છે મેયરના માતા

રાજકારણીઓ જે રીતે સાત પેઢીનું ભેગું કરી લેવા માટે જાણીતા છે તે જોતા તેઓના પરિવારના સભ્યો સાદું જીવન જીવતા હોય તે વાત માન્યામાં આવે તેમ નથી. પણ આ હકીકત છે અને તે પણ ગુજરાતના એક ખૂબ જ મોટા અને મહત્વના શહેરની. વાત છે સૌરાષ્ટ્રના ભાવનગરની.
તાજેતરમાં જ અહીં ભાજપે મેયરપદે ભરતબાઈ બારડની વરણી કરી છે. જોકે વાત તેમના માતાની કરવાની છે. તેમના માતા ગિરજાબહેન 81 વર્ષના છે અને ભોળાનાથ સોસાયટી ખાતે આવેલા શિવ મંદિર બહાર ફૂલ વેચે છે. તેમનો પરિવાર આજે પણ ભાડાના ઘરમાં રહે છે અને સામાન્ય જીવન જીવે છે. તેઓ આ મંદિર બહાર 20 વર્ષથી ફૂલો વેચે છે. મળતી માહિતી અનુસાર ભરતભાઈના પિતા મિલમજૂર હતા.

ભાવનગર શહેરના મેયર તરીકે જેની પસંદગી થઈ છે તે ભરતભાઈ બારડ માત્ર એસ.એસ.સી. પાસ છે. પણ લોકોના પ્રશ્નો અંગે ભારે કોઠાસૂઝ ધરાવે છે. 1979થી જનસંઘમાં કાર્યરત આ અદના કાર્યકરને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એક દિવસ ભાવનગરમાં મેયર બનીશે. દિકરાની આ સિદ્ધિથી માતા સ્વાભાવિક રીતે ખુશ છે, પરંતુ પોતાની સાદગી નથી છોડી. શહેરના વડવા વિસ્તારમાં સામાન્ય કેબિનમાં વેલ્ડીંગનું કામ કરતા અને સરદારનગર ખાતે ભાડાના મકાનમાં તેમનો પરિવાર રહે છે.
મેયર પદે વરણી થયા બાદ મેયર ભરતભાઈ બારડ સૌપ્રથમ કોર્પોરેશનથી ચાલીને કાળાનાળા ખાતે આવેલા માળી જ્ઞાતિની વાડીમાં રામજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારબાદ જ તેઓ મેયરની ગાડીમાં બેસ્યા હતા. પોતે ખૂબ સંઘર્ષ કરી ચૂક્યા હોવાથી શહેરના છેવાડાના માણસને પણ સુવિધા મળી રહે તે જ તેમની નેમ છે.