પોતાના કર્મચારીઓને રામલલ્લાના દર્શન કરાવશે સુરતના આ ઉદ્યોગપતિ, રામમંદિરમાં 11 કરોડનું આપ્યું હતું દાન

સુરત: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન છે. અત્યારે દેશ આખો ‘રામમય’ છે. દેશના ખૂણેખૂણેથી લોકો રામમંદિરના કાર્યક્રમમાં કોઇને કોઇ રીતે પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે, ત્યારે સુરતના મોટા ઉદ્યોગપતિ ગણાતા ગોવિંદભાઇ લાલજીભાઇ ધોળકિયાએ રામમંદિરને 11 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી, આ જ પ્રકારે તેમણે બીજી એક જાહેરાત કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની કંપનીના કર્મચારીઓને પણ રામમંદિરમાં દર્શન માટે લઇ જશે.
તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રામમંદિરનું આમંત્રણને પગલે તેઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહ અનુભવી રહ્યા છે. ભગવાન 500 વર્ષ બાદ તેમના ઘરે આવી રહ્યા છે જે અત્યંત ખુશીની વાત છે. ગોવિંદભાઇએ જણાવ્યું હતું કે તેઓ 21 જાન્યુઆરીના રોજ અયોધ્યા જઇ રહ્યા છે અને 22 જાન્યુઆરીએ રામમંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે. 23 જાન્યુઆરીએ તેઓ પરત આવી જશે. લગભગ 48 કલાક તેઓ ભગવાનના સાનિધ્યમાં રહેશે.
આ પછી તેમણે જાહેરાત કરી હતી કે તેમની કંપનીના કર્મચારીઓ માટે પણ રામમંદિરની મુલાકાત ગોઠવવાનું તેમનું આયોજન છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદી સાથે વર્ષ 1995થી સંકળાયેલા છે. તેઓ જ્યારે મુખ્યપ્રધાન ન હતા તેની પહેલાથી જ બંને વચ્ચે સારા સંબંધો છે. ભવિષ્યમાં જ્યારે પણ રામમંદિર ટ્રસ્ટને તેમની જરૂર પડે તેઓ ચોક્કસ સહયોગ આપશે તેવું ગોવિંદભાઇએ જણાવ્યું હતું.