સુરતના આ કાપડના વેપારીને મળ્યું રામમંદિરના કાર્યક્રમનું આમંત્રણ
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણાધીન પ્રભુ શ્રીરામના મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેને પગલે દેશભરમાં ઉત્સાહભર્યો માહોલ છે. આ ધન્ય ક્ષણોના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે સુરતના એક કાપડના વેપારીને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
સુરતમાં લક્ષ્મીપતિ સાડી નામથી કાપડનો વેપાર ચલાવતા સંજય સરાવગી આજે ખૂબ જ ખુશ છે. તેમની ખુશીનું કારણ એ છે કે તેમને રામ મંદિર ટ્રસ્ટ તરફથી ભવ્ય રામમંદિરના કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકામાં પ્રભુ શ્રીરામની બાલ સ્વરૂપ તસવીર છપાઇ છે. આ સિવાય પીએમ મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, RSS પ્રમુખ મોહન ભાગવત અને રામમંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનું પણ નામ આમંત્રણપત્રિકામાં છે.
સંજય સરાવગીએ જણાવ્યું હતું કે તેમના પૂર્વજોનું કોઇ સત્કર્મ રહ્યું હશે, કે જેને કારણે તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર થવાનો લાભ મળ્યો છે. રામમંદિરનું ભવ્ય નિર્માણ ચાલી રહ્યું છે, તેમ છતાં જો ક્યાંય પણ દાનધર્મની જરૂરિયાત ઉભી થાય તો સુરતના લોકો દાન આપશે જ. સુરતમાં તમામ સમાજના લોકો દાન આપવા માટે તૈયાર છે કારણકે તેને દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે.