આપણું ગુજરાત

RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ: 2,231 બાળકોને પ્રવેશ ફાળવાયો, હજુ 6,946 બેઠકો ખાલી

ગાંધીનગરઃ RTE એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૦૬ જૂન, ૨૦૨૫ના રોજ યોજાયેલ RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ બાદ વધુ ૨,૨૩૧ જેટલા બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગમી તા. ૧૩, જૂન, ૨૦૨૫ – શુક્રવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ હાજર થઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે.

કેટલી જગ્યાઓ ખાલી છે

RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારો દ્વારા ઓનલાઈન ફોર્મમાં પસંદ ન કરેલ હોઇ, પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની ૬૨૪, અંગ્રેજીની ૪,૨૩૮, હિન્દીની ૧,૯૧૯ અને અન્ય માધ્યમની ૧૬૫ એમ કુલ ૬,૯૪૬ જેટલી જગ્યાઓ ખાલી છે.

રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં રાજયની કુલ ૯,૮૧૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૯૪,૭૯૮ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ ૯૩,૨૭૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં બંને રાઉન્ડ બાદ કુલ ૮૫,૭૪૪ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લીધો છે.

આ પણ વાંચો -‏‏‎ શહેરી વિકાસ: ગુજરાતના 6 નવા મહાનગરો સાથે 13 શહેરોને ₹1700.57 કરોડની ભેટ!

બીજા રાઉન્ડની પ્રક્રિયામાં કેટલા વિદ્યાર્થીઓ લીધો પ્રવેશ

બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલ ૯,૧૫૭ જગ્યાઓ પર વધુને વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને RTE હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ તથા બીજા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૮૨,૪૪૮ અરજદારોને શાળાઓની પુનઃપસંદગીની તક તા. ૦૨ થી ૦૪ જૂન, ૨૦૨૫ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં કુલ ૩૧,૩૯૧ અરજદારોએ શાળાઓની પુનઃપસંદગી કરી હતી, જ્યારે બાકીના ૫૧,૦૫૭ અરજદારોએ અગાઉ પસંદ કરેલ શાળાઓ યથાવત રાખી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button