ચોરોને પણ હોય છે સંવેદના…બાઈકમાલિકની પૉસ્ટ વાંચી ચોરનું મન પીગળ્યું ને…
સુરતઃ ઘણીવાર જીવનની જરૂરિયાતો માણસને ખોટા રસ્તે ચડાવી દેતી હોય છે આથી ગમે તેવો ગુનેગાર પણ ક્યારેક પીગળતો હોય છે. તો અહીં તો નાની મોટી ચોરી કરતા ચોરની વાત છે. આ ચોરની સંવેદના જાગી અને તેણે ચોરી કરેલી બાઈક પાછી આવી દીધી. ઘટના છે ગુજરાતના સુરત શહેરની.
એક વ્યક્તિએ તેની બાઈક ચોરાઈ ગયા બાદ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ લખી હતી. જ્યારે ચોરે આ પોસ્ટ વાંચી ત્યારે તેણે તે વ્યક્તિને બાઇક પરત કરી દીધી.
બાઇક ચોરાઇ ગયા બાદ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે સજ્જન ચોર, તમે મારી બાઇક લઇ ગયા છો, પરંતુ ચાવી અને આરસી બુક વિના જો તમને બાઇક ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, તો તેની ચાવી અને આરસી બુક બાઇક પાર્કિંગમાં જનરેટર પર હશે. તે ખૂણામાં રાખવામાં આવે છે, જે તમે લઈ શકો છો. મારી ચિંતા કરશો નહીં, હું સાયકલ પર પણ જીવી શકું છું. જ્યારે સોશિયલ મીડિયા પર બાઇક માલિકની પોસ્ટ ચોર સુધી પહોંચી તો બે દિવસમાં જ ચોર ચોરીની બાઇકને તે જ જગ્યાએ પાર્ક કરીને નીકળી ગયો. ચોર જોકે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મિડલ પોઈન્ટ નામની ઈમારતમાં પરેશભાઈ પટેલ વુડન આર્ટ હેઠળ બનાવેલ સામાનનો વેપાર કરે છે. પરેશભાઈ પટેલ એક દિવસ સવારે ઓફિસે પહોંચ્યા હતા અને બિલ્ડીંગના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું. સાંજે જ્યારે તે ઘરે જવા નીકળ્યા ત્યારે તેણે જોયું કે તેની બાઇક પાર્કિંગમાં ન હતી. આ પછી પરેશ પટેલે પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. ફૂટેજમાં એક વ્યક્તિ બાઇક ચોરી કરતો જોવા મળ્યો હતો.
પરેશ ભાઈ પટેલે આ ફૂટેજ પોતાના મોબાઈલમાં લઈ ફેસબુક પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. પરેશભાઈએ ચોરને સજ્જન કહીને સંબોધીને બાઇકની ચાવી અને આરસી લઈ જવાની વાત લખી હતી. જોકે, બાઇક ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.
પરેશ ભાઈ પટેલે ફેસબુક પર કરેલી પોસ્ટ બાઇકની ચોરી કરનાર ચોર સુધી પહોંચી હતી અને બે દિવસમાં ચોરે તે જ પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી. ચોરાયેલી બાઇક પરત મળ્યા બાદ બાઇકના માલિક પરેશ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમને હવે ચોર સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર જણાતી નથી. જે સમયે બાઇકની ચોરી થઇ હતી તે સમયે તેણે વિચાર્યું પણ નહોતું કે તેની બાઇક પરત મળી જશે. આ જ કારણ હતું કે તેણે ચોર બાઇકની આરસી બુક અને ચાવી લઇ જવા માટે પોસ્ટ કરી હતી.