સુરતના કોસંબામાં તસ્કરો 6 બેંક લોકર તોડીને 49 તોલા સોનું અને નવ લાખ રોકડા ચોરી ગયા

સુરતઃ ગુજરાતમાં શિયાળાએ જમાવાટ કરી છે. આ દરમિયાન નિશાચરો પણ સક્રિય થયા છે. સુરતના કોસંબા પોલીસની હદમાં આવેલી પાલોદ ચોકી નજીક યુનિયન બેંકમાં ત્રણ દિવસ પહેલાં તસ્કરો દ્વારા બાકોરૂ પાડી 6 જેટલા લોકર તોડીને તેમાથી 40 લાખ 36 હજારની ચોરી થયાનું બહાર આવ્યું હતું. શુક્રવારે વધુ એક લોકર માલિકના લોકરમાંથી 95 તોલા સોનુ અને ચાર કિલો ચાંદી મળી કુલ 63 લાખ 60 હજારના મુદ્દામાલની ચોરી થયાનું જણાવ્યું હતું. આ ઘટનાની તપાસમાં 11 ટીમ લાગી હોવા છતાં પોલીસને ચોરો સુધી પહોંચવામાં સફળતા મળી નથી. અત્યાર સુધીમાં ચોરીનો કુલ આંક 1.04 કરોડ પર પહોંચી ગયો છે.
કોસંબા પોલીસની હદમાં આવેલી પાલોદ ચોકી નજીક યુનિયન બેંકના પાછળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી પ્રવેશેલા તસ્કરોએ કુલ 06 જેટલા લોકર તોડ્યા હતા. જેમાંથી 49 તોલા સોનુ અને 09 લાખ રૂપિયા રોકડા મળી કુલ 40 લાખ 36 હજાર રૂપિયાની મત્તાની ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો : દેશમાં ગેસ લીકેજની ઘટનામાં થયો વધારોઃ 2023માં ગુજરાતમાં સૌથી વધુ બનાવ
અન્ય એક લોકર માલિક હિતેન્દ્રભાઈ પટેલે શુક્રવારે બહાર ગામથી આવી પોતાનાં લોકરમાં 95 તોલા સોનુ અને 04 કિલો ચાંદી મળી કુલ 63 લાખ 60 હજારનો મુદ્દામાલ હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસની 11 ટીમોના તપાસનાં ધમધમાટ વચ્ચે કીમ, કોસંબા, કામરેજ, કડોદરા સહિત જિલ્લાના અલગ અલગ સીસીટીવી ફુટેજ સહિત 30થી વધુ શકમંદની પોલીસે ઉલટ તપાસ કર્યા પછી પણ પોલીસને ચોરો સુધી પહોંચવામાં સફળતા મળી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં 9 લાખ રોકડા અને 49 તોલા સોનાની ચોરી થઈ હોવાનું નોંધાયું હતું. જે આંક હવે 1 કરોડને પાર પહોંચી ગયો છે. ઘટનાને પગલે બેંકના લોકરધારકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.