સુરતમાં દોઢ કરોડ રૂપિયાના સોનાના પાવડરની ચોરી, છ આરોપીની પકડાયા
સુરતઃ શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલી સોનું પ્રોસેસ કરતી ફેક્ટરીમાંથી ચોરોએ 1 કિલો 822 ગ્રામ સોનાના રિફાઇન પાવડરના મુદ્દામાલની ચોરી કરી હતી. જોકે આ મુદ્દામાલની કિંમત રૂ. 1 કરોડ 45 લાખ 76 હજાર આંકવામાં આવી હતી. ઘટનાને પગલે મહિધરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે છ આરોપીની ધરપકડ કરી છે અને 1 કિલો 99 ગ્રામ સોનું રિકવર કર્યું છે.
ફેક્ટરીની અંદરથી સોનાના પાવડરની ચોરી કરી:
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સની રિફાઇનિંગ વિભાગમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના સમયે વેન્ટિલેશન માટે ગોઠવેલા ફેનની જગ્યાની ગ્રીલ તેમજ દીવાલ તોડીને ચોરોએ ફેક્ટરીમાં પ્રવેશ કરી ફેક્ટરીની અંદરથી 1 કિલો 822 ગ્રામ 24 કેરેટના પાવડરની ચોરી કરી હતી. આ ઘટનાની મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
Also Read – બેંક એકાઉન્ટ વેચવાના કૌભાંડનો આરોપી દુબઇ ભાગે તે પહેલા મુંબઈ એરપોર્ટથી ધરપકડ
આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી:
ફરીયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અંતે પોલીસે આ ચોરીની ઘટનામાં છ આરોપીની ધરપકડ કરી હતી. આ છ આરોપીમાં જ્વેલર્સમાં કામ કરતો અનુકુમાર નિશાદ પણ સામેલ હતો. પોલીસે સોનું બિંદ, સંદીપ બિન્દ, ક્રિષ્ના ઉર્ફે કાનો ગુપ્તા, રાહુલ બિંદ અને રોશન નીસાદની ધરપકડ કરી છે. આ તમામ આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Also Read – ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
જ્વેલર્સ કંપનીના કામદારે જ ચોરીને અંજામ આપ્યો:
તમામ આરોપી અલગ અલગ જગ્યા પર સોનાની રિફાઇનરીઓમાં કામ કરતા હોવાથી તેઓ જ્વેલર્સની કંપનીમાં ચોરી કરવાનો પ્લાન છેલ્લા એક મહિનાથી બનાવતા હતા. અનુકુમાર નિશાદે જ્વેલર્સમાં ક્યારે વધારે પ્રમાણમાં સોનું આવે છે તે બાબતે તેના સાથીમિત્રોને માહિતી આપી હતી. આ તમામ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા પરંતુ કંપનીમાં કામ કરતો અનુકુમાર ફરાર થયો ન હતો. જેથી કરીને તેના પર કોઈને શંકા ન જાય પરંતુ પોલીસે કંપનીની અંદરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અનુકુમારની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી અને શંકાના આધારે પૂછપરછ કરતા સમગ્ર મામલો જાણમાં આવ્યો હતો.