આપણું ગુજરાત

ધંધુકામાં હોટેલ પરિસરની બસમાં ચોરી: ₹ 46 લાખના દાગીના સાથે આરોપી ઝડપાયો

ધંધુકા: અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે ચાર મહિના અગાઉ ધંધુકા શહેરમાં આવેલી ઓનેસ્ટ હોટલ પરથી ખાનગી પેસેન્જર બસમાંથી થયેલી ₹46 લાખથી વધુના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગુનાના મુખ્ય આરોપીને ઝડપી પાડી, ચોરીનો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરીને ધંધુકા પોલીસને સુપરત કર્યો હતો.

ધંધુકાના ઓનેસ્ટ હોટલ ચોરી

₹46 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી

પ્રાપ્ત માહિતી અનુસાર, ધંધુકાના ઓનેસ્ટ હોટલ ખાતેથી નશીમબેન વલ્લભભાઈ ખાગડના ₹46 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જે અંગે તેમણે ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે સઘન તપાસ હાથ ધરી હતી.

મધ્ય પ્રદેશના આરોપીને ઝડપ્યો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, LCBના વિપુલભાઈ ઘનશ્યામભાઈ પટેલને હ્યુમન સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાતમીના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના ખેરવાની જાગીર, મુલતાની પૂરા, કુવાડ પોસ્ટનો રહેવાસી સાકીર કમાલ ચાઉ પઠાણ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા તમામ સોનાના દાગીના રિકવર કર્યા હતા અને તેને ધંધુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇઃ લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ ગ્રામ્ય LCBની આ કામગીરી સરાહનીય ગણાઈ રહી છે, કારણ કે તેમણે એક મોટી ચોરીનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI આર.એન. કરમટિયા, કે.એસ. સાવલિયા, ASI દિલીપસિંહ પરમાર, નરેન્દ્રસિંહ વાળા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ સિસોદિયા, અજયભાઈ બોલિયા, પુષ્પરાજસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચૌહાણ અને અન્ય સ્ટાફ પણ જોડાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button