ગાંધીધામમાં રેલવેકર્મીના બંધ ઘરમાંથી 6.64 લાખની તસ્કરી
ભુજ: કચ્છમાં અને ખાસ કરીને પૂર્વ તરફના મથકોમાં તસ્કરોનો આતંક બરકરાર રહેવા પામ્યો હોય તેમ ઔદ્યોગિક નગરી ગાંધીધામ નજીક આવેલી ખારીરોહરની સીમમાં સ્થિત મચ્છુનગર વિસ્તારમાં રેલવે કર્મચારી તથા તેમના સહોદરના બંધ ઘરોને નિશાન બનાવીને તસ્કરો રૂા. 6,64,000ના દાગીનાની ચોરીને અંજામ આપતાં રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
અત્રેના રેલવે મથકે ટ્રાફિક ઓપરેટિંગ વિભાગમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવનારા મૂળ ફતેહપર માળિયાના રૈયાભાઇ ભરવાડે પોલીસને જણાવ્યું હતું કે, મચ્છુનગરમાં તેમના અન્ય ભાઇઓ એક જ વરંડામાં જુદાં જુદાં મકાનોમાં રહે છે. તેમનાં વતન ફતેહપરમાં મછુમાનું માંડલું હોવાથી તેમના ભાઇઓ, પરિવારજનો ગઇકાલે બપોરે ગયા હતા જ્યારે ફરિયાદી સાંજે નોકરીથી પરત ઘરે આવી બાદમાં ઘરને તાળાં મારી વતન જવા નીકળ્યા હતા.
આ પણ વાંચો :ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
આ પરિવારજનો વતનમાં હતા, ત્યારે તેમના ભત્રીજાએ ફોન કરી ઘરનાં તાળાં તૂટેલાં હોવાની વાત કરતાં ફરિયાદી અને પરિવારજનો પરત ઘરે આવી અંદર તપાસ કરતાં લોક વાળા કબાટની તિજોરી તોડી તેમાંથી સાત તોલાનો સોનાંનો હાર, પાંચ તોલાનો સોનાંનો મઘનો ચેઇન સહિતનો હાર, ત્રણ તોલાની સોનાંની ચેઇન, ત્રણ ગ્રામની સોનાંની વીંટી, બાળકના ચાંદીના કડલાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના મોટા ભાઇ પોલાભાઇનાં ઘરની હાથ ધરેલી તપાસમાં પણ સોનાના દાગીના ચોરવાની સાથે નિશાચરોએ તેમના બંધ મકાનોમાંથી રૂા.૬,૬૪,૦૦૦ના દાગીનાની તફડંચી કરી હતી.
પોલીસે ગંધ પારખું શ્વાન અને એફએસએલ ટુકડીની મદદ વડે અજાણ્યા તસ્કરોનું પગેરું દબાવવા કવાયત હાથ ધરી છે.