ચોરી પકડી ગઈઃ અમદાવાદ રેલવેએ ખુદાબક્ષો પાસેથી વસૂલ્યો આટલો દંડ

રેલવે વારંવાર પોતાના યાત્રીઓને ટિકિટ લઈ અધિકૃત રીતે જ પ્રવાસ કરવા કહે છે. રેલવેની ટિકિટ પણ ટિકિટબારી અને ઓનલાઈન મળે છે, તેમ છતાં લોકો ટિકિટ લીધા વિના પ્રવાસ કરે છે અને પછી બમણા કરતા પણ વધારે નાણાં દંડપેટે આપે છે. ખાસ કરીને તહેવારો કે વેકેશનમાં આ પ્રકારે પ્રવાસ કરનારાઓની સંખ્યા વધી જાય છે.
આ વર્ષે દિપાલવીની તહેવાર સિઝનમાં અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગના વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવ્યા. આ મોટા પાયે કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન મહિના નવેમ્બર 2023 માં 45,046 કેસ નોંધતાં 3.49 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત કરી છે આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023 થી નવેમ્બર 2023 સુધી વગર ટિકિટ, અનિયમિત ટિકિટ, વગર બુકિંગ સામાનના કુલ 2.63 લાખ કેસ અને 19.03 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી. 10 નવેમ્બર 2023 ના રોજ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ 25.42 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી જે ટિકિટ ચેકિંગ વિભાગે એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે.
રેલવે તમામ યાત્રા કરી રહેલા યાત્રીઓને વિનંતી કરતી રહેતી હોય છે કે કે યોગ્ય રેલવે ટિકિટ પર જ યાત્રા કરો, આનાથી આપ રેલવે પ્રગતિમાં ફાળો આપીને, સન્માન સાથે યાત્રા પણ કરી શકશો.
એ વાત ખરી કે ટિકિટ વિના પ્રવાસ કરી આપણે આપણને મળેલી સુવિધાઓનો ગેરઉપયોગ કરીએ છીએ અને પછી દંડાઈએ છીએ, પરંતુ સાથે રેલવેએ પણ ટ્રેનોની સુવિધામાં વધારો કરવો જોઈએ અને લોકોને આસાનીથી ટિકિટ મળે તેવી વધારે વ્યવસ્થા કરવી જોઈએ. દેશની દરેક સુવિધાઓ કરદાતાઓના નાણાંથી એટલે કે જનતાના નાણાંથી જ ચાલે છે ત્યારે તેને કોઈપણ પ્રકારનું નુકસાન સરવાળે જનતાનું જ નુકસાન છે.