પીડાથી કણસતી મહિલાને સિવિલના તબીબે દવા આપીને રવાના કરી, ઘરે જતા રસ્તામાં મહિલાનું મોત
રાજકોટમાં PDU સિવિલ હોસ્પિટલના તબીબો પર ઘોર બેદરકારી તથા અણઆવડતના આક્ષેપો લાગ્યા છે. ઘટના એ બની છે કે આજી ડેમ પાસેના એક વિસ્તારમાં રહેતી શીતલ નામની મહિલાને પેટમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનોએ ચિંતિત થઇને તેને એમ્બ્યુલન્સમાં PDU સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં શીતલના સોનોગ્રાફી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં કંઇ નથી તેવું કહીને ફરજ પર હાજર તબીબે તેને દવા લખી આપી ઘરે જતા રહેવા કહ્યું હતું. પરંતુ ઘરે પહોંચ્યા બાદ તે બેભાન થઇને ઢળી પડી હતી અને તે તરત જ મૃત્યુ પામી હતી.
ત્યારે આ સમગ્ર ઘટનામાં શીતલના પતિએ હોસ્પિટલના તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેણે જણાવ્યું છે કે શીતલ દુખાવાની પીડાને કારણે હોસ્પિટલમાં આળોટતી હતી અને પીડાથી કણસતી હતી. જો તેને દાખલ કરીને વ્યવસ્થિત રીતે સારવાર આપવામાં આવી હોત તો તે આજે જીવતી હોત.
પ્રાથમિક તપાસમાં શીતલનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે સોનોગ્રાફીની સાથે સાથે અન્ય રિપોર્ટ પણ કરાવવાની જરૂર હતી. જો ECG રિપોર્ટ કરાવ્યો હોત તો પણ તેના હૃદયની સ્થિતિ જાણી શકાઇ હોત અને કદાચ તે બચી શકી હોત. આમ આ ઘટનાને કારણએ રાજકોટ સિવિલમાં તબીબોની આવડત પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.