સોમનાથ મંદિરમાં લૂંટાયેલા ખજાનાની કિંમત આજે કેટલી થાય? જાણીને ચોંકી જશો!

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભવ્ય વારસા અને ભૂતકાળના સંઘર્ષ પર સંબોધન આપ્યું હતું. પીએમ મોદીએ ત્યાં વાત કરી હતી કે, આ હુમલાઓને સામાન્ય લૂંટ કહીને તેનો ઈતિહાસ છુપાવવાનો પ્રયાસ થયો છે. જો સોમનાથ પરનો હુમલો માત્ર આર્થિક લૂંટ હોત તો તે ૧,૦૦૦ વર્ષ પહેલા એક જ વાર થયો હોત, પરંતુ આ મંદિર પર વારંવાર હુમલા થયા તે દર્શાવે છે કે તેની પાછળ નફરત અને ક્રૂરતાનો ઈતિહાસ હતો. ફરી એ ઈતિહાસને ઉઘાડો પાડવામાં આવ્યો છે, પરંતુ હુમલાખોરોએ મંદિરની કેટલી સંપત્તિ લૂંટી એની હકીકત જાણશો તો ચોંકી જશો.
આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે આયોજિત ‘શૌર્ય યાત્રા’માં ભાગ લીધો હતો. સદીઓ પહેલાં મંદિરની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર યોદ્ધાઓના સન્માનમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવી હતી. સોમનાથ આક્રમણના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાને આરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેણે ઇતિહાસના એ પાનાઓ ફરી ખોલી દીધા છે કે આખરે આ સુપ્રસિદ્ધ મંદિર પાસે કેટલી અઢળક સંપત્તિ હતી.
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિર પર ઈ.સ. 1025-1026માં મહમૂદ ગઝનવીએ ભયાનક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ મંદિર વિશ્વના સૌથી ધનિક ધાર્મિક સ્થળોમાંનું એક ગણાતું હતું. ઇતિહાસકારોના મતે, ગઝનવી અહીંથી અંદાજે 20 મિલ્યન (2 કરોડ)થી લઈને 10 કરોડ જેટલા સોનાના દીનાર લૂંટીને લઈ ગયો હતો. સંશોધકોનો અંદાજ છે કે માત્ર મંદિરના મુખ્ય ખજાનામાંથી જ આશરે 6 ટન જેટલું સોનું લૂંટાયું હતું, જેમાં અન્ય કિંમતી ઘરેણાં અને ચાંદીની ગણતરી તો અલગ છે.
આ પણ વાંચો…સોમનાથને તોડનારા ઈતિહાસના પાનામાં દફન થયા, પણ સોમનાથની ધજા આજેય અડીખમ! પીએમ મોદી
સોમનાથ મંદિરની લૂંટ માત્ર સોનાના સિક્કા પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ આક્રમણખોરો અનેક અમૂલ્ય વસ્તુઓ પણ સાથે લઈ ગયા હતા. ગઝનવી મંદિરના રત્નજડિત 56 વિશાળ સ્તંભો, હજારો સોના-ચાંદીની મૂર્તિઓ અને મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને પણ ઉઠાવી ગયો હતો, જે અત્યંત કિંમતી ચંદનના લાકડામાંથી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પૂજા માટે વપરાતી ઘંટડીઓની 6,765 કિલોગ્રામ વજનની ભારે સોનાની સાંકળો પણ લૂંટી લેવામાં આવી હતી, જે તે સમયની ભવ્યતાની સાક્ષી પૂરતી હતી.
જો આજે સોમનાથમાંથી લૂંટાયેલા એ ખજાનાની કિંમત આજના સોનાના ભાવ અંદાજે રુ. 1,40,000 પ્રતિ 10 ગ્રામ મુજબ ગણવામાં આવે તો તે આંકડો ચોંકાવનારો છે. માત્ર 6,000 કિલો સોનાની કિંમત જ અંદાજે 84.27 અબજ એટલે કે રુ. 8,427 કરોડથી વધુ થાય છે. અર્થશાસ્ત્રીઓના મતે જો સોનાના દીનાર અને અન્ય કિંમતી પથ્થરોની ખરીદશક્તિને ધ્યાનમાં લેવામાં આવે તો આ ખજાનાની કિંમત અબજો ડોલરમાં પહોંચી શકે છે.



