Gujarat માં બે દિવસથી ચાલતી સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઇ, વાલીઓને મળી રાહત

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)સ્કૂલવાન ચાલકોની છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હડતાળનો અંત આવ્યો છે. સ્કૂલવાન ચાલકોના એસોસીએશન અને આરટીઓ અધિકારી વચ્ચે થયેલી મિટિંગમાં અમુક માગ સ્વીકારાતા વાનચાલકોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. જેના પગલે હવે વાલીઓએ રાહત શ્વાસ લીધો છે. અમદાવાદ આરટીઓ કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટીફીકેટ, વાહન પાસીંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માગી છે. આ બેઠકના અંતે વાન ચાલકોએ હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો.
ફાયર સેફટી અને સલામતીની તપાસ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગેમ ઝોનના આગ લાગવવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળો અને જાહેર પરિવહનના વાહનોમાં ફાયર સેફટી અને સલામતીની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સ્કૂલવાનમાં બાળકોના જીવને જોખમ હોવાના અહેવાલ પણ બહાર આવ્યા હતા.
સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાચાલકો પાસે નિયમ મુજબની પરમિટ ન હતી
જેના પગલે રાજ્યમાં પરિવહન વિભાગે માન્ય ફિટનેસ પ્રમાણપત્રો અને પરમિટ વિના ચાલતી વાન, રિક્ષા અને શાળા બસો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી. જ્યારે બીજી તરફ 13 જૂનથી શાળાનું વેકેશન પણ પૂર્ણ થયું હતું. તેમજ આરટીઓએ પણ કામગીરી શરૂ કરી હતી. જેમાં અનેક સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાચાલકો પાસે નિયમ મુજબની પરમિટ ન હતી.
સ્કૂલની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો
જેના વિરોધમાં અને પરમિટ પ્રોસેસ અને ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી ઝડપી બનાવવાની માગણી સાથે મંગળવારથી રાજ્યભરમાં સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા.જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલે મૂકવા અને લેવા જવું પડ્યું હતું. સ્કૂલની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો તથા વાલીઓના વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આ હડતાળના પગલે નોકરિયાત વાલીઓએ સમય બગાડીને બાળકોને સ્કૂલે મૂકવા જવું પડયું હતું. જેથી વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા