આ છે ગુજરાત મોડલની અસલી હકીકતઃ 5 વર્ષમાં આટલા પુલ થયા ધરાશાયી, જુઓ લિસ્ટ…

અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે અચાનક ધરાશાયી થતાં 12 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોઈ પુલ ધરાશાયી થવાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 17 પુલ ધરાશાયી થયા છે. પુલ તૂટવાની સૌથી ગોઝારી ઘટના 2022માં બની હતી. મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયા હતા.
ગંભીરા બ્રિજ, વડોદરા (જુલાઈ 2025): પાદરા-જંબુસર વચ્ચે આવેલો આ પુલ તૂટી પડ્યો, જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા અને 10થી વધુ લોકોના મોત થયા.
બોટાદમાં પુલ ધોવાયો (જૂન 2025): બોટાદના જનડા ગામમાં પાટલિયા નદી પર માત્ર ત્રણ વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધોવાઈ ગયો. આટલા ટૂંકા ગાળામાં નવા બનેલા પુલનું ધરાશાયી થવું એ ગુણવત્તા પર મોટો પ્રશ્નાર્થ છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ (નવેમ્બર, 2024): આણંદ જિલ્લામાં મહીસાગર નદી પાસે નિર્માણાધીન બુલેટ ટ્રેન બ્રિજનું કામચલાઉ માળખું ધરાશાયી થઈ ગયું, જેમાં ત્રણ કામદારોના મોત થયા અને એક ઘાયલ થયો. આ એક રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટમાં પણ સુરક્ષા અને ગુણવત્તાના પ્રશ્નો ઊભા થયા.
બોડેલી-છોટાઉદેપુર પુલ ( ઓગસ્ટ 2024): ભારે વરસાદને કારણે બોડેલી અને છોટાઉદેપુરને જોડતો લગભગ 50 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ચોટીલાના હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી (ઓગસ્ટ 2024): સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી થયો. આ પુલ 5થી વધુ ગામોને જોડતો હતો. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો એક ભાગ ઉદ્ઘાટન થાય તે પહેલાં જ ક્ષતિગ્રસ્ત થઈને નમી ગયો હતો અને બ્રિજના સ્લેબમાં તિરાડ પણ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ (2023): આ બ્રિજ તૂટી પડતા સ્લેબ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.

મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના ( ઓક્ટોબર 2022): મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 135 લોકોના મોત થયા હતા. સમારકામ બાદ ખુલ્લો મૂકાયાના માત્ર ચાર દિવસમાં જ આ દુર્ઘટના બની હતી.
અમદાવાદમાં મમતપુરા બ્રિજનો એક સ્પાન (2021): આ બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો.
મોરબીના હળવદમાં નવો કોયબાથી જુના કોયબાને જોડતો બ્રિજ (2024): વરસાદમાં આ બ્રિજ તૂટી ગયો હતો.
રાજકોટમાં આજી ડેમ પાસે પુલ (2020): આ પુલ તૂટી પડ્યો હતો.
રાજકોટના સટોડક ગામમાં પુલ (2019): આ પુલ તૂટ્યો હતો.
મહેસાણા બાયપાસ (2020): આ પણ તૂટી ગયો હતો.