અમદાવાદમાં નવા વર્ષથી રખડતાં ઢોર પર તંત્ર ત્રાટકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં હાઇવે અને જાહેર માર્ગો પર રખડતાં ઢોરની સમસ્યા નીવારવા માટે ગુજરાત હાઇકોર્ટની વારવાંરની તાકીદોને અંતે ગુજરાત સરકારે રખડતાં ઢોર નિયંત્રણ માટેની તૈયાર કરેલી ગાઇડલાઇનના અમલ બાદ પણ હજુ અમદાવાદ સહિતનાં મહાનગરો અને નગરોમાં તંત્ર ચૂસ્ત રીતે અમલ કરવામાં પાછી પાની કરી રહ્યું હતું પરંતુ હવે નવાં વર્ષથી આ ગાઇડલાઇનો સજજડ અમલ કરવા તરફ તંત્ર આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં પશુપાલકોએ તેમના પશુઓને રાખવા માટેની વ્યવસ્થા કરવી પડશે અને આવી વ્યવસ્થા માટે લાયસન્સ પણ મેળવી લેવાનું રહેશે. જે પશુપાલકો પાસે ઢોરની રાખવાની વ્યવસ્થા નહીં હોય તેણે તેના પશુઓને ગ્રામ્ય વિસ્તારમાં મોકલી દેવા પડશે.
અમદાવાદ મહાનગરપાલિકાએ માલધારીઓને નોટિસ ફટકારી જણાવ્યું હતું કે, પશુ રાખવાની જગ્યા ન હોય તેમને લાઇસન્સ નહીં મળે તેમજ પશુ રાખવાની જગ્યા નહીં હોય તેમને શહેરની બહાર પશુને લઈ જવા પડશે. જો કે, મહાનગરપાલિકાના આ નિર્ણયથી શહેરના પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતાં ઢોરનાં કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર મનપાનું તંત્ર કાર્યવાહીના મોડમાં જોવા મળી રહ્યું છે.
બીજી બાજુ તાજેતરમાં જ ગુજરાત હાઇ કોર્ટે ટ્રાફિકની સમસ્યાની ગંભીર નોંધ લીધી હતી. જેના માટે રોડ ઉપર થતાં પાર્કિંગ અને દબાણો દૂર કરવા માટે વિવિધ બિલ્ડિંગમાં નોટિસ આપવામાં આવી છે. અમદાવાદના વ્યસ્ત વિસ્તાર એવા જજીસ બંગલો રોડ પર આવેલા ન્યૂયોર્ક પ્લાઝામાં નોટિસ આપવામાં આવી છે.