મુંબઇ સમાચારની સ્વસ્થ ખેલૈયા મસ્ત ખેલૈયા અભિયાનની રાજ્ય સરકારે લીધી નોંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને નવરાત્રીના ગરબાની પ્રેકટિસ દરમિયાન પણ યુવાનો ઢળી પડતા હોવાના કિસ્સા પણ છેલ્લા થોડા સમયથી બની રહ્યા છે. ક્રિકેટ રમતા હોય, આરામથી બેઠા હોય, સાવ જ સામાન્ય સ્વસ્થ લાગતા યુવાનો આ રીતે અચાનક જ મોતને ભેટે ત્યારે પરિવારજનો તો દુખી થાય જ છે, પરંતુ સમાજ માટે પણ તે ચિંતાનો વિષય બની જાય છે. આ કારણે જ મુંબઇ સમાચારે એક ખાસ અભિયાનની શરૂઆત કરી હતી જેમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ સ્વસ્થ કેવી રીતે રહેવું, આરોગ્યની દૃષ્ટિએ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું વગેરેની માહિતી નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ આયોજકોને પણ વિનંતી કરવામાં આવી હતી કે ગરબાના સ્થળે તેઓ એમ્બ્યુલન્સ, તબીબ અને ખાસ કરીને સીપીઆર આપવામાં નિષ્ણાત સ્વયંસેવકોને હાજર રાખે. મુંબઇ સમાચારના આ અભિયાનની ઘણા આયોજકોએ નોંધ લીધી છે. ઘણા આયોજકોએ સ્વેચ્છાએ જ આ વ્યવસ્થા કરી છે. ત્યારે મુંબઇ સમાચારના પ્રતિનિધિએ આ અભિયાનની માહિતી આજે મુખ્યપ્રધાન કાર્યાલયમાં આપી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનાં સચિવ અવંતિકા સિંહ ઔલખે પણ આ અભિયાનની નોંધ લીધી હતી તેમ જ મુંબઇ સમાચારની આ પહેલને બિરદાવી હતી.
દરમિયાન સોમવારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરીને તંત્રને જાહેર ગરબાના સ્થળ પર મેડિકલ ટીમ ને એમ્બ્યુલન્સ સાથે હાજર રાખવા તેમ જ નજીકની સરકારી હોસ્પિટલો તેમ જ આરોગ્ય કેન્દ્રો રાઉન્ડ ધ કલોક ચાલુ રાખવાની તાકીદ કરી છે. જેથી ગરબાના સમયે કોઇને આરોગ્ય વિષયક સમસ્યા સર્જાય તો તેમને તરત આરોગ્ય સુવિધા મળી રહે.