નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું
એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ-૦૧ ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ દેશના ૩૨ ઉપરાંત ભારતના ૧૭ જેટલા પતંગબાજોએ ચિત્રવિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા. ખાસ પ્રકારની દોરી, ખાસ પ્રકારના કાગળથી બનેલા આ પતંગો એકસાથે આકાશમાં પવનની લહેરખી સાથે ઉડતા અદ્દભુત નજારો સર્જાયો હતો. આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટૂનો, એરોડાયનેમિક છતાં વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે. આ પતંગને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરીથી ચગાવે છે. એકતાનગર ખાતે મિનિ ડ્રેગન, રામ ભગવાનના ચિત્ર સહિતના પતંગોથી આકાશ રંગબેરંગી થઇ ગયું હતું. પતંગ મહોત્સવના પ્રારંભે જિલ્લા કલેકટર શ્ર્વેતા તેવતિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર દર્શક વિઠલાણી અને પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છા પાઠવી હતી. દેશ-વિદેશથી આવેલા પતંગબાજોને ઉત્સાહભેર આવકાર્યા હતા.

સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે બાલિકાઓએ દેશ-વિદેશના પતંગબાજોનું કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દિપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફૂગ્ગા ખુલ્લા આકાશમાં છોડી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. વિદેશી મહાનુભાવો-યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી અને ઉત્સાહ ઉમંગથી સર્જાયેલા વાતાવરણને કેમેરામાં કેદ કર્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ આ પતંગ મહોત્સવ નિહાળ્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button