સહન ન થયો પુત્રના મોતનો આઘાત, ગણતરીના જ કલાકોમાં માતાએ પણ સંકેલી જીવનલીલા

ગુજરાતમાં નાની ઉંમરના યુવક યુવતીઓના હૃદયરોગથી મોતના અનેક બનાવો ઘણા મહિનાઓથી સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી હતી જેમાં ફક્ત 30 વર્ષની વયે રાજ વલેરા નામના યુવકનું હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. જો કે ઘટનામાં વધુ એક કરૂણાંતિકા એ સર્જાઇ કે પોતાના વ્હાલસોયાના ઓચિંતા મોતનો આઘાત સહન ન થતા માતા પણ ગણતરીના જ કલાકોમાં મૃત્યુ પામ્યા હતા.
જામનગર શહેરના મહાલક્ષ્મી ચોકના રહેવાસી અને વર્ષોથી શહેરમાં વારસાગત પેઢી ધરાવતા નાગજીભાઇ વેદની પેઢીનું સંચાલન કરતા રાજભાઇ વાલેરાને ઓચિંતા જ હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી અને રાજભાઇના માતા ધીરજબેન ઉંડા આઘાતમાં આવી ગયા હતા. પુત્રની જ્યારે અંતિમવિધિ ચાલી રહી હતી તે સમયે ધીરજબેનને પુત્રના મોતનો આઘાત સહન ન થયો અને તેમને પણ હૃદયરોગનો હુમલો આવી ગયો હતો.
પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તબીબો તેમનો જીવ બચાવી શક્યા ન હતા. પુત્રના મોત બાદ માતા પણ આઘાતથી અવસાન પામતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.