જૂનાગઢ તરલ ભટ્ટ તોડકાંડ મુંબઇથી લઇને દુબઇ સુધી સેટિંગ ચાલતું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મેગાસિટી અમદાવાદથી વિવાદાસ્પદ ભૂમિકા બાદ જૂનાગઢમાં ખસેડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ તોડકાંડની તપાસનો રેલો અમદાવાદ, મુંબઇ અને છેક દુબઇ સુધી ફેલાયો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
આ તોડકાંડમાં લીંક દ્વારા કામ કરવામાં આવતું હતું, તેમ જ તરલ ભટ્ટના નજીકના સાથી દિપ શાહની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટે બૅંક ખાતાની વિગતો દિપ શાહને આપી હતી. તેમ જ બિરજુ શાહે પણ દુબઇથી નાણાં મોકલ્યા હતા. મુંબઇની આંગડીયા પેઢીમાં નાણાં મોકલ્યા હતા. તેમાં આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરાઇ છે. રતનપોળ આંગડીયા પેઢીમાં ૨૭ લાખનું કુરિયર કર્યું હતું. તેમજ દિપ શાહે કિરણના નામથી નાણાં રિસિવ કર્યા હતા, તથા તરલ ભટ્ટ ફરાર થયા બાદ દિપ શાહના સંપર્કમાં હતો અને ઉજજૈનમાં તરલ ભટ્ટ દિપ શાહના આઇડી પર રોકાયો હતો. દિપ શાહે તરલ ભટ્ટ પાસેથી કમિશન પેટે રૂપિયા ૧૦ લાખ લીધા હતા.
ગુજરાત એટીએસએ દીપ શાહની ધરપકડ કરી હતી. દીપ શાહ તોડ કેસમાં રૂપિયાની લેવડદેવડ કરતો હતો. જેમાં દીપ શાહે રૂપિયા ૩૮ લાખના વ્યવહારો કર્યા હતા. બહુચર્ચિત જૂનાગઢ પોલીસના બૅંક ખાતા અનફ્રીઝ કરવા માટે થયેલા તોડકાંડ મામલે એટીએસની તપાસમાં જેલવાસ ભોગવતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ સહિતના લોકો સામે થયેલી ઈન્કવાયરીનો રિપોર્ટ એસીબીમાં પહોંચ્યો ન હોવાની વિગતો મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ સહિતના અધિકારીઓએ માધુપુરામાંથી ક્રિકેટ સટ્ટા અને શેર ડબ્બા ટ્રેડિંગના બે નંબરના નાણાંનું બોગસ બૅંક એકાઉન્ટમાં થતી હેરાફેરી ઝડપી એક હજાર કરોડથી વધુના કાળાં નાણાંનું રેકેટ ઝડપી પાડયું હતું.
જોકે, આ મામલે રચાયેલી સીટના અધિકારીઓએ તપાસના નામે એકાઉન્ટ ધારકોને બોલાવીને તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાના આક્ષેપો થયા હતા.
માધુપુરા સટ્ટા રેકેટના કાળાં નાણાંની હેરાફેરીની તપાસ ડીજીપીએ એસએમસીને સોંપી તેમ જ નાણાં પડાવ્યાના આક્ષેપોની તપાસ કરવા હુકમ કર્યો હતો. એસએમસીએ આ મામલે ઈન્કવાયરી કરતા પૈસા લેવાયાનો ઘટસ્ફોટ થતાં ડીજીપીને રિપોર્ટ કરી લાંચના મામલાની તપાસ એસીબીને સોંપવા રજૂઆત કરી હતી. જો કે, આ મામલે અનેક મહિનાઓ વીતી ગયા બાદ પણ એસીબીને તપાસ માટે કોઈ કાગળો મળ્યા ન હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે.
બૅંક ખાતા અનફ્રીઝ કરવા માટે કેરળના રહેવાસી પાસેથી રૂ.૨૫ લાખની માંગણીના મામલે જૂનાગઢ પોલીસે તત્કાલીન સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, પીઆઈ ગોહિલ અને એએસઆઇ દીપક જાની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
કેસની તપાસ એટીએસને સોંપાતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી રિમાન્ડ લઈ જેલ હવાલે કરાયા હતા.