આપણું ગુજરાત

‘મને સ્કૂલે જતા બીક લાગે છે..’ કહી શાળાના આચાર્યએ કર્યો આપઘાત

સમાચારનું શીર્ષક વાંચીને તમને એમ થયું હશે કે આવું કંઇ હોય? પ્રિન્સીપાલને શાળાએ જવાની બીક કઇ રીતે લાગી શકે? પણ ખરેખર આ ઘટના બની છે અને બનવા પાછળના કારણો બિલકુલ હાસ્યાસ્પદ નથી.

આ વાત અમરેલીના બગસરા પાસે આવેલા જૂના જાંજરિયા ગામની છે કે જ્યાં એક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિએ ગામના સરપંચ અને અન્ય શિક્ષકો જાતિવાદી ટિપ્પણીઓ કરીને સતત માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતો વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. શિક્ષણ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો સમાજના સૌથી જાગૃત વર્ગમાંથી આવતા હોય છે, પરંતુ આ ઘટનામાં જાતિવાદી જડ માનસિકતાએ જાગૃત વ્યક્તિના જીવનને જ નિરાશાની ગર્તામાં ધકેલી પોતાનો જ જીવ લેવા પર મજબૂર કરી દીધા. દુખદ વાત એ છે કે ગામના સરપંચ ઉપરાંત શાળાના શિક્ષકો પર પણ જાતિવાદનું ઝેર ફેલાવવાનો આરોપ મુકાયો છે.

કાંતિભાઇ ચૌહાણ ઘણા લાંબા સમયથી જૂના જાંજરિયા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેઓ દલિત સમાજના હોવાથી અવારનવાર શાળામાં ભણાવતા અન્ય શિક્ષકો તથા ગામના સરપંચ સહિતના અગ્રણીઓ દ્વારા અભદ્ર ટીકાટિપ્પણી તથા હાંસીને પાત્ર બનતા. દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓ એક સારા શિક્ષક હતા, સ્કૂલના સમય કરતા પણ 2 કલાક વધુ બાળકોને સમય આપતા, તેઓ ગ્રાન્ટને લઇને સરપંચની પજવણીનો શિકાર થયા હતા.

SMC કમિટીમાં જે ગ્રાન્ટ આવતી હતી તેમાંથી સરપંચ ભાગ માગતા અને જો ગ્રાન્ટમાંથી તેમને પૈસા આપવાની આચાર્ય ના પાડે તો સરપંચ તેમને બદલી કરી નાખીશું તેવી ધમકી આપતા. આ પહેલા પણ કાંતિભાઇએ વીડિયો બનાવીને આક્ષેપ કર્યા હતા કે ગામના સરપંચ મુકેશભાઈ અવારનવાર આવીને મને ધમકાવે છે તથા મારી પાસે ગ્રાન્ટની માંગણી કરે છે. ગામના લોકોને મારા વિરુદ્ધ ભડકાવે છે અને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલે છે. ગામના વોટ્સએપ ગ્રુપમાં મારા વિરુદ્ધ ખોટા મેસેજ કરીને ભડકાવે છે. મને હવે સ્કૂલે જતાં પહેલા પણ ડર લાગે છે કારણ કે આ માણસ ક્યારે શું કરી નાખે એ કઈ કહી શકાય તેમ નથી. આ વ્યક્તિ ચોખ્ખું કહે છે કે હું તમારી તાત્કાલિક બદલી કરાવી નાખીશ.

કાંતિભાઇના અપમૃત્યુને પગલે તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ સરપંચ અને અપમાન કરનાર શિક્ષકોની ધરપકડની માગ કરી છે. મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો પણ એકઠા થતા DYSP સહિતના પોલીસ અધિકારીઓ તેમને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કાંતિભાઇના પત્નીએ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે સરપંચ સહિત 3 શિક્ષિકાઓ સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર પ્રકરણમાં વિપુલ ક્યાડા નામના ભાજપના અગ્રણીની પણ સંડોવણી બહાર આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…