વડા પ્રધાને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષમ્ય સુરક્ષા ચૂક કયા અધિકારીના કારણે થઇ એનો માંગ્યો રિપોર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:શહેરમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મામલે હવે દિલ્હીથી પીએમઓએ પણ એક્શનમાં આવી અક્ષમ્ય સુરક્ષા ચૂકની સમગ્ર ઘટના અંગે જવાબદાર અધિકારીઓના નામ સાથેનો અહેવાલ મંગાવ્યો છે. વિશ્ર્વ કપ ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે પીએમઓએ જવાબદાર અધિકારીનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે માંગ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક તરફ વાદળી જર્સીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હતા તો બીજી તરફ પીળા કપડાંમાં હતા કાંગારુઓ. પણ મેદાનની ચારેય તરફ સ્ટેડિયમની અંદર અને બહાર બસ એક જ રંગ દેખાતો હતો એ હતો ટીમ ઈન્ડિયાનો. જોકે, કાબરચિતરા કપડાં પહેરીને એક વ્યક્તિ આવ્યો જેણે સ્ટેડિયમમાં હાજર લગભગ સવા લાખ લોકો, મેદાનમાં હાજર બન્ને ટીમના ખેલાડીઓ, અમ્પાયર, સુરક્ષાકર્મીઓ અને ટીવી પર મેચ જોઈ રહેલાં કરોડો ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતાં. એ વ્યક્તિ સુરક્ષાને વેધીને તારની રેલિંગને પણ કૂદીને ચાલુ મેચમાં પિચ પર પહોંચી ગયો. દોડીને એ વ્યક્તિ સીધો બેટિંગ કરી રહેલાં વિરાટ કોહલી પાસે પહોંચી ગયો ત્યારે સૌ કોઈ અવાક રહી ગયાં. તેણે પેલેસ્ટાઈનનું સમર્થન કરતા કપડાં પહેર્યાં હતા અને તે શખ્સ પોતે ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. હવે પીએમઓમાંથી આવી મોટી સુરક્ષામાં ચૂક કેમ થઈ તે અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
મહત્ત્વનું છે કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂકની તપાસ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આરોપી યુવકનું નામ વેઈન જોન્સન (૨૪) છે. આરોપી યુવકની ધરપકડ કરી સોમવારે તેને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતાં આરોપીને શરતી જામીન અપાયા હતા.
સરકારે પણ ફાઈનલ મેચની સુરક્ષામાં થયેલી ભૂલને ગંભીરતાથી લીધી છે. કારણ કે તે સમયે ગ્રાઉન્ડમાં ઘણા વીવીઆઇપી લોકો હાજર હતા. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના હતા આવા સંજોગોમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પાસે રિપોર્ટ માંગ્યો હતો.