આપણું ગુજરાત

દેશના સૌથી લાંબા દ્વારકા સિગ્નેચર બ્રિજનું ફેબ્રુઆરી અંતમાં વડા પ્રધાન કરી શકે છે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દ્વારકામાં સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ફેબ્રુઆરીના અંતમાં સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ બ્રિજ માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ લેન્ડ માર્ક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સિગ્નેચર બ્રિજ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. કારણ કે વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ સૌ કોઇ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી લાખો ભક્તો દ્વારકા દર્શન માટે આવે છે, પરંતુ ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ કરવો પડે છે. પણ આ બ્રિજ તૈયાર થતા હવે સામાન્ય વ્યક્તિ કાર લઇ અવર જવર કરી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઓખાથી બેટ દ્વારકા જવા માટે હવે ફેરી બોટની મદદ નહીં લેવી પડે. કારણ કે, ૯૭૮ કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રિજ’ બનીને તૈયાર થઇ ગયો છે. ફોર લેન બ્રિજ ૨.૩૨ કિલો મીટર લાંબો, ૨૭.૨૦ મીટર પહોળાઇ ધરાવે છે અને બન્ને બાજુ ૨.૫૦ મીટર ફૂટપાથ છે. દરિયા વચ્ચે ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા પાઇલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી. જ્યારે પવનની ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યાર બ્રિજનું કામ કરવામાં આવ્યું હતું. આ બ્રિજની ખાસિયત એ છે કે, બ્રિજનો ૯૦૦ મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝુલશે નહીં આ બ્રિજ પર ૧૫૨ કેબલ લગાવવામાં આવ્યા છે. જેનું વજન ૧૫૦૦ ટન જેટલું છે. ફૂટપાથ ઉપર લગાવેલા સોલાર પેનલથી એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. તેનો ઉપયોગ બ્રિજની લાઇટિંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રિજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવશે. બ્રિજ પર રાત્રિ દરમિયાન શણગાર માટે ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button