આપણું ગુજરાત

રાજ્યના હાઉસિંગ બોર્ડનાં જૂનાં આવાસોનારિ-ડેવલપમેન્ટ આડેનું વિઘ્ન દૂર કરાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડનાં જૂનાં મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ નિર્ણયોથી આવાં મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારનાં મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમા મુખ્ય પ્રધાન સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. આ વન ટાઈમ ફીનું ધોરણ ઈડબ્લ્યુએસ માટે રૂ. બે હજાર, એલઆઈજી માટે રૂ. ૧૦ હજાર, એમઆઈજી માટે રૂ. ૧૪ હજાર અને એચઆઈજી માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે. ફ્લેટ પ્રકારનાં મકાનો માટે અન અધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે. એટલે કે, ૨૫ ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે ઈડબ્લ્યુએસમાં રૂ. ૧૦ હજાર, એલઆઈજીમાં રૂ. ૨૦ હજાર, એમઆઈજીમાં રૂ. ૩૦ હજાર અને એચઆઈજીમાં રૂ. ૬૦ હજાર પ્રમાણે લેવાશે. આ ઉપરાંત ૨૫ ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે ડબ્લ્યુએસમાં રૂ. ૨૦ હજાર, એલઆઈજીમાં રૂ. ૪૦ હજાર, એમઆઈજીમાં રૂ. ૬૦ હજાર અને રૂ. એક લાખ ૨૦ હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.
ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની ૧૦૦ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. એક હજારના સ્થાને વન ટાઈમ વસૂલાત ઈડબ્લ્યુએસ માટે રૂ. બે હજાર, એલઆઈજી માટે રૂ. ચાર હજાર, એમઆઈજી માટે રૂ. છ હજાર અને એચઆઈજી માટે રૂ. ૧૦ હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button