મૃદુભાષી મનાતા ભુપેન્દ્ર પટેલના તીખાં તેવર જોઈ અધિકારીઓને લાગી નવાઈ
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ જ્યારે પહેલીવાર આ પદ પર બેઠા ત્યારે તેઓ પક્ષના આલા કમાન્ડના આદેશથી બેઠા હતા, પરંતુ તેમણે 2022ની વિધાનસભાની ચૂંટણીમા ભવ્ય વિજય મેળવી મુખ્ય પ્રધાન તરીકેની બીજી ઈનિંગ સંભાળી છે અને તેઓ તેમના વ્યક્તિત્વનો પરિચય આપી રહ્યા છે. સામાન્ય રીતે તેમની છાપ ખૂબ શાંત અને મૃદુભાષી મુખ્ય પ્રધાન તરીકેની છે, પરંતુ તાજેતરમા એક બેઠકમાં તેમણે અધિકારીઓ સમક્ષ પોતાનું મજબૂત અને કડક વલણ રજૂ કર્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યના શહેરી વિકાસ માટેના રૂ. 2084 કરોડના ચેક અર્પણના કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે અધિકારીઓ તેમજ પદાધિકારીઓને હળવેકથી ઠપકારતા કહ્યું હતું કે કોઈપણ કામ આયોજન વિના કરવામાં ન આવે.
આવા કામને લીધે આખી સરકારને સાંભળવું પડે છે. તેમણે ઉદાહરણ આપી જણાવ્યું હતું કે પહેલા રોડ બનાવવામા આવે છે અને પછી તે તોડી ગટરના કામ કરવામાં આવે છે. આમ આયોજન વિનાના કામ ન કરવાની તેમણે ખાસ તાકીદ કરી હતી. તેમણે કામની ગુણવત્તા સાથે સમાધાન કરવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે કામ બે મહિના મોડું થશે તો ચાલશે પણ વેઠ ઉતારાશે નહીં. તેમણે મેયર અને ધારાસભ્યોને પણ જણાવ્યું હતું કે માત્ર તમારા વોર્ડ્ના જ વિકાસમાં ધ્યાન ન આપો. આ સાથે ધારાસભ્યોને પાલિકા પર કબ્જો જમાવવાનું વલણ છોડવાની પણ સૂચના આપી હતી.
તેમણે નાણાકીય વ્યવહારો માટે પણ અધિકારીઓને ટપાર્યા હતા અને કહ્યું હતું કે મગનો રૂપિયો દાળમાં વાપરી શકાય નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પૈસા કેટલા વાપરો છો સવાલ નથી, પણ કેવી રીતે વાપરો છો તે સવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની ઘણી સ્વરાજ્ય સંસ્થાઓ નાણાભીડ અનુભવી રહી છે અને વીજબિલ અને પાણી બિલ પણ ન ભર્યા હોય તેવી સ્થિતિ છે. આ સાથે પાયાની સુવિધાઓનો પણ અભાવ છે ત્યારે પટેલની આ ટકોર લેખે લાગે અને સુધારો આવે તેમ નાગરિકો ઈચ્છી રહ્યા છે.