આપણું ગુજરાત

છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યા 58% વધી, દારૂનું વેચાણ પણ વધ્યું

અમદાવાદ: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં લિકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. નવેમ્બર 2020 માં 27,452 લિકર હેલ્થ પરમિટ ધારકો હતા, જયારે હવે 43,470 છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પરમિટ રિન્યુઅલમાં બેકલોગની સંખ્યા ઘટી છે અને નવી અરજીઓ પર પણ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેનાથી રાજ્યમાં દારૂના વેચાણમાં પણ વધારો થયો છે.

નવેમ્બર 2022 માં 40,921 પરમિટ ધારકોની તુલનામાં, રાજ્યમાં આ વર્ષે 6% વધુ લિકર હેલ્થ પરમિટ ધારકો છે. અમદાવાદમાં 13,456 પરમિટ ધારકો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે, ત્યારબાદ સુરત (9,238), રાજકોટ (4,502), વડોદરા (2,743), જામનગર (2,039) અને ગાંધીનગર (1,851) છે.

સુત્રોના જણાવ્યા મુજબ અનિદ્રા, ચિંતા અને હાયપરટેન્શનની વધતી જતી ઘટનાઓને કારણે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની હેલ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. રાજ્યના પ્રોહીબીશન અને આબકારી વિભાગે પણ દારૂની પરમિટની અરજીઓને ઝડપથી ક્લીયર કરી રહી છે. પરિણામે સંખ્યા વધી રહી છે.

પરમિટ ધારકોની સંખ્યા વધવા સાથે, દારુનું વેચાણ પણ વધી રહ્યું છે. વેચાણમાં વૃદ્ધિમાં ફાળો આપનાર મુખ્ય પરિબળ વિઝિટર પરમિટ છે. આ વખતે, વિઝિટર પરમિટમાં 30%નો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ વર્લ્ડ કપ ક્રિકેટ છે આ ઉપરાંત ગુજરાતમાં યોજાયેલી G20 ઇવેન્ટ્સને કારણે પણ દારૂના વેચાણમાં વધારો થયો છે.

ગુજરાતમાં હાલમાં લગભગ 77 હોટેલોમાં પરમિટ વાળા દારૂના સ્ટોર છે અને શહેરોમાં વધુ હોટલો બનવાની સાથે, સંખ્યા વધવાની છે. રાજ્યના નશાબંધી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દારૂના સ્ટોર માટેની 18 અરજીઓ પેન્ડીંગ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button