ગુજરાત માટે આગામી ત્રણ દિવસો રહેશે ખુબ જ આકરા; હવામાન વિભાગે આપી ચેતવણી…
ગાંધીનગર : ઉનાળાની આકરી અસરો વર્તાઈ રહી છે ત્યારે આજથી પાંચ દિવસ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ પાંચ શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે,કચ્છ, પોરબંદર, દીવ, ભાવનગર અને વલસાડમાં પાંચ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે. આ સાથે જ આ પાંચ શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ રહેશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. આથી તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેશે. તેમજ છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં 8 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનાં જ મહત્તમ તાપમાન 41 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમરેલીમાં સૌથી વધુ 41.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દક્ષીણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તથા કચ્છનાં દરિયા કિનારાથી 20 કિમીના અંતર સુધી ગરમ પવન ફૂંકાવાને કારણે ભારે અકળામણનો અનુભવ થયો હતો. પવનની દિશા પશ્ચિમ અને ઉતર પશ્ચિમ હોવાના લીધા તાપમાનનો પારો અગામી પાંચ દિવસ સુધી ઉંચાઈ પર રહેવાનો છે. આગામી સમયમાં ગુજરાતમાં ક્યાય કમોસમી વરસાદની શક્યતા નથી આથી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડીગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે.24 કલાકમાં અમદાવાદે આકરા તાપમાનનો અનુભવ કર્યા બાદ રાત્રે તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનોને રાહતનો અનુભવ થયો હતો. જ્યારે ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 6.6 ડીગ્રી સેલ્સિયસ ઘટીને 20 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી લઈને બપોર સુધીમાં તાપમાનનો પારો 37 ડીગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે પરંતુ જમીની સ્તર વધવાના કારણે બપોર બાદ 04 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 41 ડીગ્રી સુધી જઈ શકે છે. અમદાવાદમાં તાપમાનમાં વધારાના કારણે લૂ લાગવા ઉપરાંત અથવા ઝાડા-ઉલટીનાં કેસોમાં સતત વધારો થયો છે.