સાંસદ આવ્યા હતા જીતનો જશ્ન મનાવવામાં પણ તરસ્યા ખેડૂતોએ ઘેરી લીધાં

મોરબીઃ લોકસભા હોય કે વિધાનસભા કે ગ્રામ પંચાયતની ચૂંટણી, વિજેતા ઉમેદવાર પાસેથી જતા અપેક્ષા રાખતી હોય કે તેઓ તેમની વાત સાંભળે અને તેમના પ્રશ્નો ઉકેલે, પણ જો નેતા માત્ર કાર્યક્રોમાં ભાગ લેવા આવે અને ભાષણ આપી જતા રહે તો જનતા નારાજ થાય. આવું જ કંઈક મોરબીના હળવદમાં બન્યું છે.
મોરબીના હળવદના બ્રાહ્મણી ડેમ-2માંથી હજી સુધી પાણી અપાયું નથી. સુસવાવ, ઈશ્વરનગર, દેવળિયા ગામ પાણીથી વંચિત છે જેને પગલે ખેડૂતોએ સાંસદ અને ધારાસભ્યને પિયત પાણીના મુદ્દે ઘેરી લીધા હતા.
મળતી મહિતી મુજબ તાજેતરમાં જ સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હળવદ તાલુકાના કેદારીયા ગામના ચંદુભાઈ સિહોરાનો આજે હળવદ શહેર ભાજપ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આયોજન દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નનને લઈ સાંસદ સભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
હળવદના બ્રાહ્મણી-બે ડેમમાંથી પાછલા દસેક દિવસથી ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ કરી રહ્યા છે, જોકે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આજે આખરે ખેડૂતો વિફર્યા હતા અને સાંસદ ચંદુભાઈ સિહોરાના અભિવાદન સમારોહમાં જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. જેથી અભિવાદન સમારોહ એકાદ કલાક મોડો ચાલુ થયો હતો અને ખેડૂતોને કાર્યક્રમ પૂરો બાદ રજૂઆત સાંભળવા આગેવાનોએ સમજાવટ કરી હતી. જોકે કાર્યક્રમ પૂરો ગયા બાદ પણ નેતાઓએ ખેડૂતોને ન સાંભળતા ખેડૂતો વિફર્યા હતા અને સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના આગેવાનોને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરી સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી હતી. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે ડેમને કાંઠે રહીએ છીએ સિંચાઈના પાણીની વાત તો દૂર પીવાનું પાણી પણ ખારું મળે છે જ્યારે બીજી બાજુ જામનગર અને દ્વારકા ને આજ ડેમમાંથી મીઠું પાણી આપવામાં આવે છે.