આ કારણ હશે તો જ 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતાને મળશે : હાઇ કોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, વ્યાજબી કારણો સિવાય 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈને આપી ન શકાય. દાંપત્યજીવનના ડખામાં એક મહિનાથી લાપતા બનેલી પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા અરજદાર પતિએ ગુજરાત હાઇ કોર્ટ સમક્ષ કરેલી હેબીયર્સ કોપર્સ અરજીની સુનવાણીમાં પોલીસે પુત્રી અને પત્નીને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.
પુત્રની ઉંમર 5 વર્ષથી ઓછી હોવાથી ન્યાયાધીશે જણાવ્યું કે, જ્યાં સુધી પૂરતા કે વાજબી કારણો ન હોય ત્યા સુધી બાળકની કસ્ટડી માતા સિવાય અન્ય કોઈને આપી શકાય નહીં. આમ ઠરાવી હાઇ કોર્ટે બાળકીની કસ્ટડી માતા પાસે જ રહેવા દીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો
હાઇ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં બાળકીની ઉંમર ત્રણ વર્ષની છે અને તેથી કોર્ટ માટે બાળકના કલ્યાણને જ પ્રાધાન્યતા આપવાનું હોય છે. કોર્ટનો અભિપ્રાય છે કે, આ ઉંમરમાં તેની માતા જ તેની પૂરતી કાળજી લઇ શકે તેમ છે, તેથી અરજદાર પિતાને પુત્રીની કસ્ટડી સોંપવાની માંગણી હાલના તબક્કે સ્વીકારી શકાય તેમ નથી.
હાઇ કોર્ટે પત્નીની ઇચ્છા અને બાળકીની ઉંમર જાણ્યા બાદ જણાવ્યું હતું કે, કાયદાના સિદ્ધાંતો મુજબ, જયાં સુધી કોઇ વાજબી કે પૂરતા કારણો ના હોય તેમજ પાંચ વર્ષથી નાની ઉંમરનું સંતાન હોય તો તેની કસ્ટડી માતા સિવાય અન્ય કોઇને સોંપી શકાતી નથી. કારણ કે, માતા જ તેનો સારી રીતે ઉછેર કરી શકે છે. આ કિસ્સામાં પણ બાળકીની ઉંમર ત્રણ વર્ષની એટલે કે પાંચ વર્ષની નાની છે, તેથી તેની માતા જ પૂરતી કાળજી લઇ શકે એમ હોઈ પુત્રીની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે.