એક પુત્રવધુ પાસેથી મળનારી જમીનની લાલચે સાસુએ બીજી પુત્રવધુને વધેરી નાખી

ઘણા સામાન્ય લાગતા અકસ્માતોનો ભેદ ઉકેલાય અને તે હત્યા નીકળે ત્યારે ખળભળાટ મચી જતો હોય છે. ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા કણભા ગામમાં પણ આવી એક ઘટના ઘટી છે જેની હકીકતો જાણે કોઈ ક્રાઈમ શૉ જોઈ રહ્યા હોય તેમ ખૂલી રહી છે.
અહીના કણભા ગામમાં મિત્તલ નામની એક યુવાન મહિલાનું મોત થયું હતું. તેના સાસરાપક્ષના જણાવ્યા અનુસાર વીજ કરંટ લાગવાથી મોત થયું હતું, પરંતુ મિત્તલના પિયરપક્ષને આ માન્ય ન હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વટવામાં રહેતા નટુભાઈ પરમારે કણભા પોલીસ સ્ટેશનમાં દીકરી મિત્તલના સાસુ વીણા ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની પુત્ર મિત્તલનાં છુટાછેડા થયા હતા અને ત્યારબાદ તેને અમદાવાદના કણભા ગામના કિશન ડાભી સાથે પ્રેમ થયો હતો અને છ મહિનામાં જ બંનેએ લગ્ન કરી લીધા હતા. કિશન ડાભી પણ પરિણિત હતો અને તેની પત્ની ભાવના સાથે તેના લગ્ન થયાના બે વર્ષમાં બન્ને છુટા પડ્યા હતા. જોકે કાનૂની રીતે છુટાછેડા થયા ન હતા. ત્યાર બાદ 29 ઓક્ટોબરના રોજ મિત્તલનું વીજ કરંટ લાગવાથી મોત થઈ ગયું હોવાનું તેના સાસુએ જણાવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં આ મોત હત્યા હોવાનું ખૂલ્યું અને હત્યા ખુદ કિશનના માતા વીણાબહેને કરી હોવાનું ખૂલતા ખળભળાટ મચ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કિશનની માતા વીણા ડાભીને આ પ્રેમ લગ્ન પસંદ નહોતા અને તે કરતા પણ મહત્વની વાત એ હતી કે દિકરાની પહેલી પત્ની ભાવના પિયરમાંથી ભાવનાને સાતેક વિઘા જેટલી જમીન મળવાની હતી. પહેલી પુત્રવધુ પાછીઆવે તો કરોડોની ઝમીન મળે તે લાલચમાં સાસુએ જ બીજી પુત્રવધુ મિત્તલની હત્યા કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.
મિત્તલ પોતાની સાથે કરિયાવર પણ લાવી ન હતી અને સાસુ-વહુને બનતું ન હોવાનું પણ ખૂલ્યું હતું. મોકો મળતા વીણાબહેને વહુને મોતને ઘાટ ઉતારી હતી અને તે બાદ વીજ કરંટની વાત આગળ ધરી હતી. જોકે તેમના નિવેદનથી પોલીસ સંતુષ્ટ ન હતી અને વધુ તપાસ કરતા તેમ જ પૂછપરછ કરતા સાસુએ પોલીસ સામે કબૂલાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.