આપણું ગુજરાત

ખેડૂતોની પાણીની જરૂર માટે કુતિયાણાના ધારાસભ્યએ ખર્ચ્યા આટલા રૂપિયા

પોરબંદર નજીક આવેલા કુતિયાણામાં એનસીપીએ ટિકિટ ન આપતા સમાજવાદી પક્ષની નવી ટિકિટ પરથી ચૂંટણી લડેલા કાંધલ જાડેજાએ તાજેતરમાં લગભગ ત્રણેક લાખના ખર્ચે ખેડૂતોને પાણી આપ્યાની ચર્ચાએ રંગ પકડ્યો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર 2 ડેમમાંથી સ્વખર્ચે ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાણી છોડાવ્યું છે. કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રૂ. 3,41,250 ભરીને ભાદર 2 ડેમમાંથી 150 એમસીએફટી પાણી છોડાવ્યું હોવાની માહિતી મળી છે. ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આજરોજ શનિવારે પાણી છોડાવતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી. જોકે કાંધલ જાડેજા અગાઉ પણ આ રીતે પાણી પૂરું પાડતા આવ્યાનું જાણવા મળ્યું છે.

ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 16000 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના તેમજ પોરબંદરના અમુક ગામડાઓને આ પિયત માટેના પાણીનો ભરપૂર લાભ મળશે. ભાદર નદીમાં છોડવામાં આવેલ આ પાણીથી ધોરાજીથી પોરબંદર સુધીના ભાદરકાંઠા વિસ્તારના વાવેતર કરેલા શિયાળુ ખરીફ પાક માટે 16000 હેક્ટર જમીનમાં ખેડૂતોને પિયત માટે પાણીનો લાભ મળશે અને તેમને નુકસાન થતું બચી જશે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

જોકે સૌરાષ્ટ્રના ઘમા વિસ્તારોમાં ખેડૂતો પાણી ન હોવાથી ચિંતામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button