વડા પ્રધાનના રોડ શૉ માટે ૪૫ દિવસમાં જ આઇકોનીક રોડ તૈયાર કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા દ્વારા સી.જી.રોડ પછી લગભગ ત્રણ દાયકા બાદ શહેરમાં આઇકોનીક રોડ તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રીજ સુધી આ રોડ ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ૨૦૦ કરતાં વધુ મિલકતો ડીપી અને રી.ડીપી અંતર્ગત દૂર કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ આ રોડ પર યોજાયો હતો. આ આઇકોનીક રોડને પીપીપી ધોરણે આ રોડને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. શહેર મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે માત્ર ૪૫ દિવસમાં આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. આકર્ષક સેન્ટ્રલ વર્જ, લાઇટ પોલ, ગાર્ડનિંગ, હેંગિંગ લાઈટ, ૩૦૦૦થી વધુ છોડ ફલાવરથી સુશોભિત કરવામાં આવ્યું છે. રૂ. ૩૫થી ૪૦ કરોડના ખર્ચે આ ૧.૦૭ કિમીનો રોડ તૈયાર થયો છે. શહેરી માળખાગત સુવિધા અને આયોજન સાથે સમગ્ર રોડને નવેસરથી ડિઝાઇન કરવા માટે એસવીએનઆઈટી સુરત જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે. ઉપરોક્ત રસ્તાની લંબાઈ ૧૭૦૦ મીટર છે અને રસ્તાની હાલની ટીપી પહોળાઈ ૪૦ મીટર છે જે અગાઉ ૬૦ મીટર બનાવવામાં આવી હતી. મુખ્ય પડકારોમાં રસ્તાની પહોળાઈ ૬૦ મીટર બનાવવા માટેના દબાણને દૂર કરવું, વીજળી, ગેસ, કમ્યુનિકેશન કેબલ જેવી ભૂગર્ભ સુવિધાઓનું સ્થળાંતર કરવું અને પીવાના પાણીની નવી લાઇન અને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક નાખવાનો સમાવેશ થાય છે. એસ્ટેટ ટીમે સમગ્ર પટ્ટામાંથી ૮૬ કોમર્શિયલ, ૧૧૨ રહેણાંક, ૧૩ મંદિરોને દૂર કર્યા છે. મનપાને ૬૦ મીટરની પહોળાઈમાં રોડ ડેવલપ કર્યો છે, જેમાં બંને બાજુએ ૩ લેન બિટ્યુમિનસ રોડનો સમાવેશ થાય છે, જેની બંને બાજુએ કુલ પહોળાઈ ૯.૯૦ મીટર છે, સારી રીતે વિકસિત સેન્ટ્રલ વર્જ ૧.૫ મીટરની પહોળાઈમાં, જેમાં સ્ટોન ક્લેડિંગ, પ્લાન્ટેશન, સ્ટ્રીટ લાઇટ વગેરેનો સમાવેશ થાય છે.