આપણું ગુજરાત

રખડતાં ઢોર અને ટ્રાફિક મામલે હાઈ કોર્ટે અધિકારીઓને ઝાટક્યા

જોકે ચાર્જફ્રેમ કરતાં પૂર્વે ૭ દિવસમાં સુધારો દેખાડવાનો મોકો આપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં રખડતાં ઢોર અને ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં અમદાવાદ સિટી પોલીસ કમિશનર, અમદાવાદ મનપા પોલીસ કમિશનર, પ્રિન્સિપલ સેક્રેટરીને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. હાઈ કોર્ટ દ્વારા શહેરમાં રખડતાં ઢોર અને કાયદો વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને લઇને આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટ દ્વારા તા.૭મી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને જો યોગ્ય પગલાં ભરાયાં નહીં હોય તો ચાર્જફ્રેમનો ઓર્ડર પાસ કરવામાં આવશે.

હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, સ્ટેટ લિગલ ઓથોરિટી દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, તે એલાર્મિંગ છે. પોલીસ કર્મચારીઓ પર હુમલા થઇ રહ્યાં છે. મનપાના કર્મચારીઓ પર હુમલા થઇ રહ્યાં છે. આ પ્રકારના હુમલા રોકવા માટે કયાં પ્રકારનાં પગલાં પોલીસ દ્વારા ભરવામાં આવ્યાં છે. ગુજરાત રાજ્ય દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવી રહ્યું છે. દરરોજ સવારે સમાચાર મળે છે કે રખડતાં ઢોરો અને ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે.

હાઈ કોર્ટે અમદાવાદ પોલીસને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અમદાવાદ મનપાના કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર પણ હુમલો થયો છે. જે પ્રકારનો કાયદો વ્યવસ્થા છે તે સમાજમાં એક ખોટો સંદેશ મોકલે છે. થોડા સમય પહેલા હાથમાં લાકડીઓ લઇને ૧૦થી ૧૫ બાઈકર્સ ઝાયડસ પાસે હતા અને પોલીસને ભાગવું પડ્યું હતું.

કયા પ્રકારનો સંદેશ સામાન્ય જનતાને આપી રહ્યાં છીએ અને જે રિપોર્ટ સામે છે તે એલાર્મિંગ છે. કોઇ કાયદો વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી નથી. આ પ્રકારની સ્થિતિમાં આપણા નાગરિકોને મૂકી શકીએ નહીં. રિપોર્ટ જોયા બાદ ડિસ્ટર્બ થયા છીએ. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માટે શું કરશો. હાઈ કોર્ટ દ્વારા અમદાવાદ મનપાના કમિશનરને જણાવવામાં આવ્યું હતું કે, કાગળ પર તમામ પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દરરોજ કામનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમારા દ્વારા વ્યક્તિગત રીતે મોનિટરિંગ કરાય છે. પરંતુ રિપોર્ટમાં વાસ્તવિકતા કંઇક અલગ હોય તેવું જોવા મળી રહ્યું છે. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, એડવોકેટ જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી છે એટલા માટે રખડતાં ઢોર અને ટ્રાફિક સહિતની સમસ્યાના નિરાકરણ માટે તા.૭મી નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તા.૭મી નવેમ્બરના રોજ આ બાબતે સમીક્ષા કરવામાં આવશે કે પરિસ્થિતિને સામાન્ય કરવા માટે કેવાં પ્રકારનાં પગલાં ભરવામાં આવ્યાં છે અને પરિસ્થિતિમાં સુધારો થયો છે કે નહીં. જો સુધારો નહીં જણાય તો ઓર્ડર પાસ કરવામાં આવશે. તેમ જ પ્રિન્સિપલ સેક્રેટરીને અમદાવાદ શહેરની બહારની સ્થિતિનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button