જાહેરમાં કોરડા મારનારા ચાર પોલીસકર્મીઓ સામે ગુજરાત હાઈ કોર્ટે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગયા વર્ષે નવરાત્રિની ઉજવણી દરમિયાન, ખેડામાં પોલીસ દ્વારા ઓછામાં ઓછા ચાર મુસ્લિમ પુરુષોની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા.
ગુજરાતના ખેડા જિલ્લામાં કેટલાક મુસ્લિમ પુરુષોને જાહેરમાં કોરડા માર્યાના બરાબર એક વર્ષ પછી, બુધવારે ગુજરાત હાઈ કોર્ટની ડિવિઝન બેંચે ચાર પોલીસકર્મીઓ સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ આરોપો ઘડવાની શરૂઆત કરી છે.
નડિયાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટે્રટના તપાસ રિપોર્ટ પર આધાર રાખીને જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને એમ.આર. મેંગડેની ડિવિઝન બેન્ચે કલમ 2 બી- સિવિલ ક્નટેમ્પ્ટ હેઠળ અધિનિયમની કલમ 12 તિરસ્કારની સજા હેઠળ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળ રાજ્ય વિરુદ્ધ ડી. કે. બાસુના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ચારેય આરોપીઓ સામે કાર્યવાહી કરાશે.
આ કેસમાં અરજદારોની ઉલટતપાસ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી પોલીસ અધિકારીઓના વકીલની વિનંતીને પગલે કોર્ટે પોલીસ અધિકારીઓને તેમના બચાવમાં 11 ઑક્ટોબર સુધીમાં સોગંદનામું દાખલ કરવાનો સમય આપ્યો છે.
ગયા વર્ષે નવરાત્રિની ઉજવણી દરમિયાન, ખેડામાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પોલીસ દ્વારા ઓછામાં ઓછા ચાર મુસ્લિમ પુરુષોની કથિત રીતે ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા.