ગુજરાત આરોગ્ય વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ તપાસ માટે લેબોરેટરી જ નથી

અમદાવાદઃ તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં પશુઓની ચરબીની હાજરીની જાન થયા બાદ, ભારે વિવાદ ઉભો થયો છે. આ સાથે દેશના અન્ય મંદિરોના પ્રસાદની પણ ચકાસણી કરવાની માગ ઉઠી રહી છે. દરમિયાન ગુજરાતમાં ડાકોરના મંદિરના લાડુનો પ્રસાદ ત્રણથી ચાર દિવસમાં જ બગડી જતો હોવાના આક્ષેપ સાથે તપાસની માગણી ઊઠી છે.
ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ શોધવા લેબોરેટરી નથી:
આ વિવાદો વચ્ચે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મોડેલ સ્ટેટ ગુજરાતના આરોગ્ય વિભાગ પાસે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ શોધવા કે તપાસવા માટે એક પણ લેબોરેટરી જ નથી. ખુદ ગુજરાતના આરોગ્ય વિભાગે આ અંગેની કબૂલાત કરી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગના તાબા હેઠળ ત્રણ લેબોરેટરી છે, જેમાં વડોદરા સ્થિત ખોરાક અને ઔષધ નિયમન પ્રયોગશાળા, રાજકોટ સ્થિત પ્રાદેશિક ખોરાક પ્રયોગ શાળા અને ભૂજ સ્થિત પ્રાદેશિક પ્રયોગ શાળા કાર્યરત છે, જોકે ખાદ્ય પદાર્થમાં માંસાહારી કન્ટેન્ટ શોધવા માટે આ લેબોરેટરીઓ સક્ષમ નથી.
સુરતમાં નવી લેબોરેટરી ઊભી કરવા માટે પ્રક્રિયા ચાલુ:
આ અંગે આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જણાવ્યુ કે ફૂડ સ્ટાન્ડર્ડ અને ફૂડ રેગ્યુલેશન-2011 પ્રમાણે મીટ એન્ડ મીટ પ્રોડક્ડ તથા ફિશ પ્રોડક્ટના ચોક્કસ ધારા ધોરણ હોય છે, તેની તપાસ માટે વડોદરાની લેબ સક્ષમ છે, પરંતુ તમામ ખાદ્ય પદાર્થમાં માંસાહાર છે કે નહિ તેના ધારા ધોરણ રેગ્યુલેશનમાં સામેલ નથી, એટલે જ તમામ ખાદ્ય પદાર્થમાં માંસાહાર કન્ટેન્ટની તપાસ થઈ શકતી નથી. આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં મહાનગર પાલિકા સંચાલિત અન્ય ત્રણ લેબોરેટરી પણ આવેલી છે જ્યારે સુરતમાં નવી લેબોરેટરી ઊભી કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે.
તિરુપતિ મંદિર પ્રસાદનો રિપોર્ટ ગુજરાતની લેબોરેટરીમાંથી આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, તિરુપતિ મંદિરના લાડુમાં પશુ ચરબી હોવાનો રિપોર્ટ ગુજરાતની લેબોરેટરીમાંથી આવ્યો હતો, જોકે આ લેબોરેટરી આણંદ સ્થિત પશુધન લેબ (NDDB CALF LTD.) માંથી આવ્યો હતો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ફૂડ લેબે રિપોર્ટ આપ્યો હતો.
Also Read –