આપણું ગુજરાત

રાજ્યના ૧૬ ધાર્મિક સ્થળોના વિકાસ માટે સરકાર ₹ ૩૭.૮૦ કરોડ આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાનાં-નાનાં દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા ૩૭.૮૦ કરોડની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે આ અંગે જણાવ્યું કે આ દેવસ્થાનોમાં વડોદરા જિલ્લાના ૪ તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા ૭.૪૫ કરોડનાં કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલા શ્રી વ્યાસેશ્ર્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલા શ્રી ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલા શ્રી ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલા શ્રી મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ૬ તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. ૧૫.૬૬ કરોડનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલા શ્રી ઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલા શ્રી નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિર, શ્રી હનુમાન મંદિર તથા શ્રી શનિદેવ મંદિર, કડી ખાતે આવેલા શ્રી દશામા મંદિર અને વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલા શ્રી કૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે. તેમજ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલા શ્રી ભેટડિયા ભાણ મંદિરનાં વિકાસ કામો માટે રૂ. ૪.૦૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પાટણ જિલ્લામાં સમી તાલુકાના વુરાણા મુકામે આવેલા શ્રી ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા ૪.૪૮ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલા શ્રી ખોડલધામ મંદિરનાં વિકાસ કામો માટે રૂપિયા ૧.૬૪ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલા શ્રી રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા ૧.૩૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલા રાજ્ય સરકાર હસ્તકના શ્રી ચંદ્રેશ્ર્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા ૪૭.૫૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી અને પાટણ જિલ્લાના ભૂતિયાવાસણા ખાતે આવેલ શ્રી ભુતેશ્ર્વર મહાદેવ મંદિરનાં વિકાસ કામો માટે રૂપિયા ૨.૭૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button