ઉમેદવાર પક્ષના નથી અથવા તો ગામના નથીઃ ભાજપમાં વિરોધનો સૂર ઘેરો બન્યો છે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી સાથે સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી પણ છે. આથી દરેક પક્ષે અહીં 26 લોકસભા અને પાંચ વિધાનસભા ઉમેદવાર ઊભા કરવાના છે. કૉંગ્રેસની દ્વીધા અલગ છે કે તેમની પાસે પૂરતા મજબૂત ઉમેદવારો જ નથી, પરંતુ ભાજપની વિડંબણા એ છે કે તેમની પાસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અને તેથી એકને પકડે એટલે બીજો નારાજ થાય છે. ભાજપે યાદી બહાર પાડ્યા બાદ બે ઉમેદવારોને ગણતરીના દિવસોમાં બદલવાની ફરજ પડી છે, પરંતુ હવે બદલાયેલા ઉમેદવારો પણ પક્ષના કાર્યકરોને મંજૂર નથી અને તેથી વિરોધ ઘેરો બનતો જાય છે.
સાબરકાંઠામાં તો મામલો એટલો ગંભીર બન્યો હતો કે ખુદ પક્ષ પ્રમુખ સી.આર. પાટીલે હસ્તક્ષેપ કરવાનો વારો આવ્યો હતો. અહીંના ઉમેદવાર ભિખાજી ઠાકોરને બદલે શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. ભિખાજીને પક્ષે ઉમેદવારી પાછી ખેંચવાની ફરજ પાડી હોવાનું કહેવાય છે ત્યારે એક દિવસ માટે સાબરકાંઠાના ઘણા વિસ્તારો બંધ રહ્યા હતા. તો લગભગ 2000 જેટલા કાર્યકરોએ પક્ષની ઓફિસ પાસે જમાવડો કર્યો હતો. શોભના બારૈયા કૉંગ્રેસ નેતાના પત્ની છે અને તેમણે 2022માં જ પક્ષમાં પ્રવેશ કર્યો છે. આવી જ રીતે વડોદરાના મહિલા ઉમેદવાર રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચી પક્ષે હેમાંગ જોશને ટિકિટ આપી હોવા છતા વિધાનસભ્ય કેતન ઈનામદારના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. પક્ષને વડોદરાનો વિકાસ જોઈતો નથી એટલે યોગ્ય ઉમેદવાર ન આપતા હોવાની ફરિયાદો થઈ રહી છે. તો વલસાડના ધવલ પટેલ પેજ પ્રમુખ પણ નથી અને સુરતમાં રહે છે, આથી સ્થાનિકને ટિકિટ આપવાની માગણી જોરશોરથી થઈ રહી છે.
માત્ર સાંસદો કે ઉમેદવારો જ નહીં પણ કેન્દ્રીય પ્રધાનો પણ વિરોધનો વંટોળ સહન કરી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલા (રાજકોટ) અને મનસુખ માંડવીયા (પોરબંદર) સામે પણ વિરોધ યથાવત છે. ક્ષત્રિયો વિષે અજુગતું બોલી રૂપાલાએ ઉપાધિ ઊભી કરી છે. તેમણે માફી માગી હોવા છતાં તેમને બદલવાની માગણી થઈ રહી છે. તો બીજી બાજુ માંડવીયા પણ પોરબંદરના ન હોવાથી સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી છે અને વિરોધ થઈ રહ્યો છે.
આ બધામાં બળતામાં ઘીની જેમ ભાજપે તાજેતરમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણીની ટિકિટો ફાળવી છે. જેનો પણ વિરોધ થી રહ્યો છે અને પક્ષના નેતા જાહેરમાં રોષ ઠાલવી રહ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ નબળી પડી છે, આથી ભાજપને વિરોધપક્ષનો એટલો ડર નથી, પરંતુ પક્ષમાં ઉઠેલી ચિનગારી આગ થઈને ન ભભૂકે તેની તકેદારી રાખવી પડશે.