ધોરડોના સફેદ રણના નીલરંગી આકાશમાં પતંગોત્સવની રમઝટ, આ વખતની ઝાંખીની થીમ બનશે

ભુજ: યુનેસ્કો (United Nations Educational, Scientific and Cultural Organization)એ જાહેર કરેલા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ ધોરડોમાં રંગબેરંગી પતંગોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભુજના કલેક્ટર અમિત અરોરા સહિત અધિકારીઓએ પતંગોત્સવમાં 12 આંતરરાષ્ટ્રીય પતંગબાજોનું સન્માન પણ કર્યું હતું અને તેમને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યના પ્રવાસન નિગમ અને ભુજના સ્થાનિક તંત્ર દ્વારા આ પતંગોત્સવ દ્વારા કચ્છના પ્રવાસનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છના છેવાડે આવેલા સરહદી ગામ ધોરડોના વિકાસ સાથે ગ્રામ્યસ્તરે લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ધોરડોના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ઓમાન, પોલેન્ડ, ફ્રાન્સ, ટ્યુનિશિયા, પોર્ટુગલ, રોમાનિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, યુક્રેન, વિયેતનામ સહિતના દેશોમાંથી પતંગબાજો પહોંચ્યા હતા તેમ જ સ્થાનિકોમાં રાજસ્થાન, અમદાવાદ, કચ્છના અન્ય ભાગોમાંથી પણ પતંગબાજોએ અવનવી ડિઝાઇનવાળા પતંગો સાથે આકર્ષણ જમાવ્યું હતું. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યોનું પણ આયોજન થયું હતું.
ધોરડો રણોત્સવના કાર્યક્રમોને કારણે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચુક્યુ છે. અમુક મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો આ વખતે ધોરડો ગામનો વૈભવ કર્તવ્ય પથ પર પણ જોવા મળશે, એટલે કે પ્રજાસત્તાક દિવસે ગુજરાતની ઝાંખી ધોરડો ગામની થીમ પર જોવા મળશે. કચ્છના નાનકડા ગામ ધોરડોમાં G-20 સમિટનું પણ આયોજન થયું હતું. તે ભારત-પાકિસ્તાન બોર્ડરથી લગભગ 86 કિમી દૂર આવેલું છે.